Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પોરબંદરના શીંગડા રોજીવાડા અને મિયાણીના વીજ સબ સ્‍ટેશનોના કામો વહેલી તકે પુર્ણ કરવા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર

પોરબંદર, તા., ૨૬: તાલુકા કોંગ્રેસ પ્રમુખ  રાજુભાઇ ઓડેદરા, પ્રદેશ કોંગ્રેસના પુર્વ મંત્રી રામદેવભાઇ મોઢવાડીયા તથા જીલ્લા કોંગ્રેસના સંગઠન મંત્રી કાળુભાઇ ગોઢાણીયાએ મુખ્‍યમંત્રીને મોકલેલા આવેદન પત્રમાં જણાવેલ છે કે, જર્જરીત વાયરો, લાંબા ફીડરો, નબળા વીજ ટ્રાન્‍સફરો અને શીંગડા ૬૬ કે.વી.રોજીવાડા અને ૬૬ કે.વી.મીયાણીનું કામ પુર્ણ કરવા માંગણી કરી છે.

પીજીવીસીએલ ગ્રામ્‍ય ડીવીઝન અન્‍ડરના બગવદર સબ ડીવીઝન સીટી ડીવીઝન અન્‍ડરના કોસ્‍ટલ ડીવીઝન હેઠળના ખેડુતો અનિયમીત વીજ પુરવઠાને કારણે ખેડુતો હેરાન છે. વીજ પુરવઠાની જરૂરીયાત હોય એ દિવસોમાં લાંબા વીજ ફીડરો, જર્જરીત વાયરો, નબળા વીજ ટ્રાન્‍સફરોને કારણે ૩ કલાકથી વધારે વીજ પુરવઠો મેળવી શકાતો નથી.

૬૬ કે.વી. સબ સ્‍ટેશનના કામો રોજીવાડા શીંગડા અને મિયાણી ૬૬ કે.વી.ના કામો ગોકળગાય ગતીએ ચાલે છે જે તાત્‍કાલીક પુર્ણ કરવા માટે વારંવાર રજુઆતો ભાજપ સરકારને કરી છે. પરંતુ આ કામમાં કોઇ ગામ આવતા નથી. આ કામ તાત્‍કાલીક પુર્ણ કરી ફીડરો ટુકા નહી કરવામાં આવે તો નવરાત્રી પછી શિયાળુ પાક વખતે ખેડુતો એવરેજ ર કલાકથી વધુ વિજ પુરવઠો મેળવી શકશે નહી તેમ રજુઆતમાં જણાવેલ છે.

લાંબા ફીડરો, શીશલી ફીડર, પાંચકોશી ફીડર, પાઉ ફીડર અને ભેટાળી ફીડરસહીતના અનેક ફીડરો ખુબ જ લાંબા અને તેના વાયરો જર્જરીત હોવાને કારણે આ ફીડરોમાં વીજ પુરવઠો અનિયમીત રહે છે.

નબળા વીજ ટ્રાન્‍સફરો ખેડુતોને પધરાવી દેવામાં આવે છે. વીજ ટ્રાન્‍સફરો રીપેરીંગ કાગળ ઉપર કરીને ખેડુતોને નબળા વીજ ટ્રાન્‍સફોર્મરો ઠોકી દેવામાં આવે છે. ખેડુતો ફોલ્‍ટ લખાવે એ પછી દિવસો સુધી ફોલ્‍ટ અપુરતા સ્‍ટાફને કારણે થતા નથી. બગવદર સબ ડીવીઝનનું વિભાજન ૧૯૬૯માં મજીવાણા મુકામે સબ ડીવીઝન હતુ એ વખતે ગ્રાહકોની સંખ્‍યા ઓછી હતી અને એરીયા પણ ઓછો હતો અને એ વખતે સેટઅપ હતુ તેનાથી સેટઅપ વધારવામાં આવ્‍યું નથી. સરકારમાં રજુઆતો કરવા છતા બગવદર સબ ડીવીઝનનું વિભાજન કરાતુ નથી તેમ રજુઆતમાં જણાવાયું છે.

(1:20 pm IST)