Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જૂનાગઢમાં એન.ડી.આર.એફ. ટીમ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ : એન.ડી.આર.એફ. (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) એ કુદરતી કે માનવસર્જિત આપત્તિઓમાં ઉચ્ચસ્તરીય પ્રતિબધ્ધતા અને સમર્પણતાથી સેવાઓ બજાવે છે. ભૂકંપ, આગ, વાવાઝોડા, અતિવૃષ્ટિ જેવી કોઇપણ આપત્તિઓમાં એન.ડી.આર.એફ. ટીમની પ્રામાણિકતા અને નિષ્ઠાથી પ્રભાવિત થઇને દેશના લોકોએ તેને ''એન્જલ્સ ઇન ડિઝાસ્ટર''ની ઉપમા આપી છે. આપણા દેશના આ દળે વૈશ્વિકસ્તરે પણ આપત્તિઓના સમયમાં અભૂતપૂર્વ સેવાઓ બજવીને દેશને ગૌરવ અપાવ્યું છે. એન.ડી.આર.એફ.ની ટીમ તેની સખત પ્રશિક્ષણ વ્યવસ્થા અને જમીન ઉપર કૌશલ્યોનો અંતપૂવર્ક ઉપયોગ કરીને બચાવકાર્યની જવાબદારીઓને શ્રેષ્ઠાપુર્વક નિભાવી તો રહ્યું જ છે, સાથોસાથ આપત્તિઓના સમયમાં લોકો સાવધતા પૂર્વક પોતાનો બચાવ કઇ રીતે કરી શકે તે વિશે જાગૃતિ લાવવાનું પ્રશંસનીય કાર્ય પણ કરી રહ્યાં છે.  ડો. હરિભાઇ ગોધાણી કેમ્પસ, જોષીપુરા, સ્થિત માતૃશ્રી એમ.જી. ભુવા કન્યા વિદ્યા મંદિર-જોષીપુરા ખાતે કલેકટર કચેરી (ડિઝાસ્ટર શાખા) અને શહેર મામલતદાર કચેરીના સંયુકત ઉપક્રમે એન.ડી.આર.એફ. ટીમ દ્વારા ''આપત્તિ વ્યવસ્થાપનનો જાગૃતિ કાર્યક્રમ'' યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે એન.ડી.આર.એફ.-બરોડાના અધિકારી સંજીવકુમાર યાદવ, કલેકટર કચેરી ડીઝાસ્ટર ઓફિસર કે.એસ. ત્રિવેદી, નાયબ મામલતદાર આર.વી. મેઘનાથી તથા એન.ડી.આર.એફ.ના સભ્યોએ આપત્તિ વ્યવસ્થાપન, પ્રાથમિક સારવાર, નાગરિકોની ફરજો, સુરક્ષા અને રક્ષણ વિશે ડેમોના માધ્યમથી ઉપસ્થિત સ્ટાફગણ અને વિદ્યાથીઓને માહીતગાર કર્યા હતા. આવો પ્રેરક કાર્યક્રમ યોજવા બદલ સંસ્થાના ચેરમેન-મેનેજર ટ્રસ્ટી જે.કે. ઠેસિયા, જોઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી મૃણાલીનીબેન ગોધાણી, કેમ્પસ ડાયરેકટર સી.પી. રાણપરિયા, શિક્ષણ નિયામક એસ.કે. વોરા, શાળાના પ્રિન્સીપાલ જે.કે રંગોલિયા સહિત સમગ્ર સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા હતા.(તસ્વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

 

(12:34 pm IST)