Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

જામનગરમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળાના ઉપદ્રવને અટકાવવા પાલિકા દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે

મનપાના આરોગ્ય શાખાની ટીમનો 60 હજારથી વધુ ઘરોનો સર્વે : ત્રણ લાખ જેટલા પાણીના પાત્રોની ચકાસણી: 2500 જેટલા પાત્રોમાંથી મચ્છરોના લારવા મળ્યા

જામનગર :શહેરમાં વરસાદ વરસ્યા બાદ મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ વધે નહીં તે માટે પાલિકા દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે. મનપાની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી લોકોને મચ્છરજન્ય રોગચાળાથી બચવા માટે લોકોને જાગૃત કરવામા આવી રહ્યા છે. મનપાના આરોગ્ય શાખાની ટીમ 60 હજારથી વધુ ઘરોનો સર્વે કરી ચૂકી છે.

આરોગ્ય શાખાની ટીમો દ્વારા અત્યાર સુધીમાં 50 હજારથી વધુ ઘરોમાં ત્રણ લાખ જેટલા પાણીના પાત્રોની ચકાસણી કરવામા આવી છે. જેમાં 2500 જેટલા પાત્રોમાંથી મચ્છરોના લારવા મળી આવ્યા હતા. ટીમ દ્વારા સ્થળ પર જ લારવાનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. લોકોને પણ પાણી એકત્ર થાય તેવી જગ્યાની સફાઈ રાખવા માટે અપીલ કરવામા આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય શાખા આવતા શહેરના 12 આરોગ્ય કેન્દ્ર દ્વારા અલગ અલગ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે એક આરોગ્ય કેન્દ્રમાં 10થી 12 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં કુલ મળીને 125થી વધુ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. એવું આરોગ્ય અધિકારી પંચાલ જણાવ્યું હતું.

(6:13 pm IST)