Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

મોરબીમાં રાજ્યમંત્રી મેરજાએ આંગળી પકડી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળાઓમાં ૨૦૭ અને આંગણવાડીઓમાં ૮૯ બાળકોને પ્રવેશ અપાયો

 મોરબી: રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી તાલુકાના ઇન્દીરાનગર, મહેન્દ્રનગર તેમજ ઘુંટુ પ્રાથમિક શાળામાં બાળકોને વ્હાલભેર આંગળી પકડી શાળામાં પ્રવેશ કરાવી કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરી હતી.

વિદ્યાના વધામણાં તેમજ માતા સરસ્વતીના મંદિર એવા શાળામાં ભૂલકાઓને વધાવીને પ્રવેશ અપાવવાનો અનેરો ઉત્સવ એટલે શાળા પ્રવેશોત્સવ. સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના અનુસંધાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના ઇન્દીરાનગર, મહેન્દ્રનગર તેમજ ઘુંટુ પ્રાથમિક શાળાઓમાં બાલુડાઓને કાખમાં બેસાડી તેમજ આંગળી પકડીને ઉષ્માભેર શાળાના પટાંગણમાં પ્રવેશ કરાવ્યો હતો.

આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૨ માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાના વિસ્તાર તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના પ્રયાસથી આ ક્રાંતિકારી પહેલ કરી હતી અને હાલ ગુજરાત સરકારે આ વણથંભી યાત્રા અવિરત પણે ચાલુ રાખી છે. શિક્ષણ વિના જીવન અધુરુ છે તથા કન્યા કેળવણી પણ એટલી જ જરૂરી છે તેવું જણાવી , દીકરી તુલસીનો ક્યારો છે, શાળા અને ઘરમાં અપાતા સંસ્કારને સુવાસિત કરીને દીકરી બે ઘર તારે છે તેવું ઉમેર્યુ હતુ.

નામાંકન એ શરૂઆત છે તેવું જણાવી, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓને સંબોધીને જણાવ્યું હતું કે, આ બાળકોની હાજરી શાળાઓમાં અવિરત રહે તેવા શિક્ષકો પ્રયાસ કરે અને તેમની અભિરૂચીને કેળવે. ઉપરાંત બાળકો નિયમિત શાળાએ જાય તેનું ખાસ ધ્યાન રાખવા બાળકોના માતા-પિતાને પણ અપીલ કરી હતી. બાળકોમાં રહેલા કૌવત અને સુષુપ્ત કૌશલ્યને ઓળખીને તેને પોષતું રહેવા પણ તેઓએ શિક્ષકોને જણાવ્યું હતું. વધુમાં શાળારૂપી ઉદ્યાનમાં આ મધમધતા બાળકુસુમોને હંમેશા મહેકતા રાખવા પણ જણાવ્યું હતું. ગુજરાતના ગામડા ખૂંદી ને સરકાર દ્વારા બાળકો ભણે આગળ વધી તેમની કારકિર્દી બનાવે તેના જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવતા બાળકો તેમ વધુમાં જણાવ્યું હતું.

જિલ્લા કલેકટર જે.બી.પટેલે પણ ગામડાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને બાળકો શિક્ષિત બની ઉત્તમ ભાવિ નાગરિકો બને તે તરફના સહિયારા પ્રયાસ કરવા ગ્રામજનોને અપીલ કરી હતી.આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ બાળકોની સાથે બાળક બની તેમની સાથે બેસીને બાળકોની જ કાલીઘેલી ભાષામાં વાતચીત કરી હતી. ઉપરાંત આગળ જતા તેમણે શું બનવું છે તેવી મહત્વકાંક્ષાઓની પણ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમનો હર્ષ ઉલ્લાસ બાળકોના ચહેરા પર વર્તાઈ રહ્યો હતો.

 

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની આ ઉજવણીમાં ઇન્દીરાનગર પ્રાથમિક શાળામાં ૮૩ બાળકો ને આંગણવાડીમાં ૧૬ બાળકો, મહેન્દ્રનગર પ્રાથમિક શાળામાં ૩૯ બાળકો અને આંગણવાડીમાં ૩૩ બાળકો, ઘુંટુ પ્રાથમિક શાળામાં ૮૫ બાળકો અને આંગણવાડીમાં ૪૦ બાળકો મળી પ્રાથમિક શાળામાં કુલ ૨૦૭ તેમજ આંગણવાડી માં ૮૯ વિદ્યાર્થીઓને આ તકે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે મહાનુભાવોએ પ્રવેશપાત્ર બાળકોને સ્કુલ બેગ તેમજ શિક્ષણ કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો તેમજ ગત વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન દાખવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાઓના દાતાઓને પણ આ તકે મહાનુભાવોએ નવાજ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી તેમજ અગ્રણી અરવિંદભાઈ વાંસદડિયા, રાજાભાઈ પરમાર, જયેશભાઈ કાલરીયા, ભાવેશભાઈ પરમાર, સુરેશભાઈ શિહોરા, ભાવનાબેન શેરસીયા, જયંતીભાઈ શેરસીયા, મનસુખભાઈ આદ્રોજા તેમજ વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો, વાલીગણ, ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:06 am IST)