Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

મોરબી : CM દ્વારા રૂ.૨.૪૭ કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવનનું વર્ચ્‍યુઅલ ઇ-ખાતમૂર્હત

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૬ :  મોરબી ખાતે રૂ.૨.૪૭ કરોડના ખર્ચે નવા ચેરિટી કચેરી ભવનનું મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ઇ-ખાતમૂર્હત કર્યું હતું. અને CM પટેલે રાજ્‍યના ચેરિટી તંત્રને ચાર કરોડ જેટલા ડૉકયુમેન્‍ટસના ડિજિટલાઇઝેશનની ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે આ અવસરે અભિનંદન પાઠવ્‍યા હતા અને કહ્યું હતું કે, આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્‍ટની માહિતી મળી રહેશે.

આ અંગે મોરબીના મદદનીશ ચેરિટી કમિશનર પળથ્‍વીરાજસિંહ બી. જાડેજાએ મીડિયાને જણાવ્‍યું હતું કે,મોરબી તાલુકાના સત્તરશનાળા ગામમાં રૂ.૨.૪૭ કરોડના ખર્ચે નવું ચેરિટી કચેરી ભવન નિર્માણ પામશે.  ચેરિટી કમિશનર મુખ્‍ય કામ ટ્રસ્‍ટોની નોંધણી, તેમનું રેગ્‍યુલાઇઝેશન તેમજ ટ્રસ્‍ટીઓમાં થતા ફેરફાર તથા  તેના હિસાબોની ચકાસણી વગેરે કરવાનું રહે છે. આ ચેરિટી કમિશનરની કચેરીથી મોરબી જિલ્લાના લોકોને ફાયદો થશે. જ્‍યાં એક જ સ્‍થળેથી લોકો ટ્રસ્‍ટ અંગેના પોતાને મૂંઝવતા સવાલોનું નિરાકરણ અને ટ્રસ્‍ટ ખોલવા માટેની પ્રક્રિયાને જાણી શકશે. આ ઉપરાંત જેમનું ટ્રસ્‍ટ છે તેમને તમામ સુવિધાઓ સરળતાથી પૂરી પાડી શકાશે. અહીં જે બિલ્‍ડિંગ બનશે તે માત્ર ચેરિટી તંત્ર માટે જ ફાળવવામાં આવશે. અને એક વર્ષની અંદર ચેરિટી કમિશનરની કચેરીનો  પ્રારંભ થઇ જશે.

મોરબી ખાતે આ કાર્યક્રમ જિલ્લા કલેક્‍ટર કચેરી, મોરબી ખાતે આયોજીત કરવામાં આવ્‍યો હતો. જેમાં વર્ચ્‍યુઅલ માધ્‍યમથી મહેસુલ મંત્રી ગુજરાત રાજ્‍ય રાજેન્‍દ્ર ત્રિવેદી ચેરીટી કમિશનર ગુજરાત રાજ્‍ય, વાય. એમ. શુકલ દ્વારા સંબોધન કરવામા આવેલ ત્‍યાર બાદ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલ તથા કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્‍દ્ર ત્રીવેદી દ્વારા જાહેર ટ્રસ્‍ટોની નોંધણી કચેરી, મોરબીની નવી અધતન સુવિધાઓ સાથેની બની રહેલી કચેરીનુ વર્ચ્‍યુઅલ ભુમી પુજન કરવામાં આવ્‍યું હતું અને ચેરીટીતંત્ર વિશે સંબોધન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમા કલેકટર જે.બી. પટેલ, અધિક કલેક્‍ટર મુબાર, મદદનીશ ચેરીટી કમિશનર પળથ્‍વીરાજસિંહ બી. જાડેજા, જાહેર ટ્રસ્‍ટોની નોંધની કચેરી મોરબીનો સમગ્ર સ્‍ટાફ, કલેક્‍ટર કચેરી અને આર.એન. બીનો સ્‍ટાફ, મોરબી જીલ્લાના અગ્રણી ટ્રસ્‍ટો ના ટ્રસ્‍ટીઓ, વકીલો ઉપસ્‍થીત રહ્યા હતા. પ્રજાપતિ સમાજ દ્વારા ચેરીટી કમિશ્‍નર, કલેકટર અને અધિક કલેકટરનું આ તકે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

(1:12 pm IST)