Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

આટકોટમાં પરવાડિયા હોસ્‍પિટલ એક, વિશેષતા અનેક

અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા નવનિર્મિત અદ્યતન આરોગ્‍ય સંકુલ નિહાળી પ્રભાવિત : વડાપ્રધાન મોદીના હસ્‍તે શનિવારે ઉદ્‌ઘાટન : ટીમ ડો. ભરત બોઘરાનું સપનુ સાકાર : ઓ.પી.ડી., સુપેર સ્‍પેશ્‍યલ, આઇ.સી.યુ., રેડીયોલોજી, પેથોલોજી, ડાયાલીસીસ, ફીઝીયોથેરાપી વગેરે વિભાગો આધુનિક સાધનોથી સજ્જ : ૨૦૦ બેડની વ્‍યવસ્‍થા : માઁ કાર્ડ, આયુષ્‍યમાન કાર્ડ, મેડિકલેઇમનું કાર્ડ વગેરે માન્‍ય : બાકીના દર્દીઓ માટે ખાનગી હોસ્‍પિટલોની સરખામણીએ માત્ર ૨૦% ચાર્જ : સ્‍વચ્‍છતા, સુવિધા અને સેવાનો સમન્‍વય

આટકોટની પરવાડિયા હોસ્પિટલની મુલાકાતે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા ગયેલા તે વખતે ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઇ અસલાલિયા, મેનેજીંગ ટ્રસ્ટી ડો. ભરત બોઘરા તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને જુદા-જુદા વિભાગના ડોક્ટરોઍ હોસ્પિટલની સુવિધા અને સર્જીકલ તેમજ મેડિકલ સાધનોની વિશેષતા વર્ણવી હતી તે સમયની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૨૬ : શહેરથી પચાસેક કિલોમીટર દુર જસદણ પાસે આટકોટમાં હાઇવે પર શ્રી પટેલ સેવા સમાજ દ્વારા શ્રી કે.ડી.પરવાડિયા મલ્‍ટીસ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલનું રૂા. ૫૦ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્‍યું છે. પાટીદાર અગ્રણી પૂર્વ ધારાસભ્‍ય અને હોસ્‍પિટલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી ડો. ભરત બોઘરા અને તેમના સાથીદારોનું સેવાકીય હેતુની અદ્યતન હોસ્‍પિટલનું સાકાર થયું છે. આ હોસ્‍પિટલનું તા. ૨૮ને શનિવારે સવારે ૯.૩૦ વાગ્‍યે દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ઉદ્‌ઘાટન થનાર છે. ઉદ્‌ઘાટનની સાથે વડાપ્રધાનની જંગી જાહેરસભા યોજવામાં આવેલ છે. ઐતિહાસિક પ્રસંગની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. પરવાડિયા હોસ્‍પિટલ એક પણ વિશેષતા અનેક તે સૂત્ર સાર્થક થયું છે. હોસ્‍પિટલના પ્રથમ તરીકે બાબુભાઇ અસલાલીયા છે.

ગઇકાલે ડો. ભરત બોઘરાના આગ્રહ ભર્યા આમંત્રણને માન આપી અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ હોસ્‍પિટલ સંકુલ અને વડાપ્રધાનની સભાના સ્‍થળની મુલાકાત લીધેલ. હોસ્‍પિટલની એકએકથી ચઢીયાતી સુવિધાઓ, તબીબી અને તેના સહાયક સ્‍ટાફની માહિતી, હવા ઉજાસ, સ્‍વચ્‍છતા વગેરે જોઇને અને જાણીને તેમણે અપાર પ્રસન્‍નતા વ્‍યકત કરેલ તેમજ ડો. બોઘરા સહિતના ટ્રસ્‍ટીઓની સેવા ભાવનાને બિરદાવી હતી.

૧૦ વીઘા જમીનમાં પાંચ વર્ષની મહેનત બાદ આધુનિક ટેકનોલોજી મુજબ હોસ્‍પિટલનું નિર્માણ થયું છે. હોસ્‍પિટલના સંચાલન માટે પાટીદાર અને અન્‍ય સમાજના દાતાઓએ દાનનો ધોધ વહેવડાવ્‍યો છે. હોસ્‍પિટલના ઓ.પી.ડી.માં મેડીસીન, સર્જરી, ઓર્થોપેડીક, ગાયનેક, પીડીયાટ્રીક, સ્‍કીન, ડેન્‍ટલ, ઇ.એન.ટી. વગેરેના તબીબોની સેવા મળી રહેશે. સુપર સ્‍પેશ્‍યાલિટીમાં કાર્ડીયોલોજી, ન્‍યુરોલોજી, યુરોલોજી, નેફ્રોલોજી, સર્જીકલ, ગેસ્‍ટ્રો, કેન્‍સર, રૂમેટોલોજી ઉપરાંત રેડીયોલોજીમાં સીટી સ્‍કેન, સોનોગ્રાફી, એક્‍સ-રે વગેરે વિભાગો કાર્યરત છે.

ઝેરી દવા, સર્પદંશ, હૃદયરોગ, પક્ષઘાત અને જટીલ રોગ માટે આઇસીયુ વિભાગ કાર્યરત થશે. આઇ.સી.યુ.માં દર બે બેડ વચ્‍ચે ઓછામાં ઓછી ૧૧ ફુટની જગ્‍યા રાખવા જેવા આંતરરાષ્‍ટ્રીય ધારાધોરણોનું પાલન કરવામાં આવ્‍યું છે. ડાયાલિસીસ માટે ૮ બેડની વ્‍યવસ્‍થા છે. એક દિવસમાં ૬૦ દર્દીઓના ડાયાલિસીસ થઇ શકે તેટલી ક્ષમતા હોસ્‍પિટલમાં છે. ૬ ઓપરેશન થિયેટરમાં લાઇટ, સ્‍ટ્રેચર સહિતની આંતરરાષ્‍ટ્રીય કક્ષાની સુવિધા છે. નવજાત શિશુઓ માટે ખાસ યુનિટ ઉભુ કરવામાં આવ્‍યું છે. બાળ આઇસીયુ તરીકે ઓળખાય છે. લેબોરેટરીમાં દોઢ કરોડના સાધનો છે.

હોસ્‍પિટલના પ્રવેશદ્વાર પાસે જ વિશાળ મેડીકલ સ્‍ટોર બનાવવામાં આવ્‍યો છે. જેમાં સ્‍ટાર્ન્‍ડડ અને જેનેરીક દવાનો ખજાનો રહેશે. દર્દીઓ માટે ખાસ રાહત દરથી દવાઓ મળી રહેશે.

(11:46 am IST)