Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

જૂનાગઢ જીલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી સંદર્ભે ૩૧૦૦ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલાં લેતી પોલીસ

જૂનાગઢ,તા. ૨૬: જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સંબંધે સક્રિય કરી, કાર્યવાહી કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, કેશોદ ડિવિઝનના ડીવાયએસપી જે.બી.ગઢવી તથા માંગરોળ ડિવિઝનના ડીવાયએસપી જે.જી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો ખાતે કુલ આશરે ૩૧૦૦ ઈસમો વિરુદ્ઘ ક્રિમિનલ પ્રોસીઝર કોડ મુજબ અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે. જે પૈકી કુલ ૫૩૯ બુટલેગરો જિલ્લામાં માથાભારે, ગુન્હેગારો તથા પ્રોહીબિશન બુટલેગરોના  કુલ ૧૯ ઈસમો વિરુદ્ઘ તડીપાર અને ૧૪ ઈસમો વિરુદ્ઘ પાસા ધારા મુજબ પગલાં લેવા દરખાસ્ત પણ કરવામાં આવેલ છે. આમ, જૂનાગઢ જિલ્લાના કુલ ૩૧૦૦ જેટલા ઈસમો વિરુદ્ઘ અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે. ઉપરાંત, પ્રોહીબિશન બુટલેગરોને ચેક કરવાની ઝૂંબેશના ભાગરૂપે જિલ્લાના તમામ બુટલેગરોને ચૂંટણી જાહેર થયા બાદ આશરે ચાર ચાર વાર ચેક કરી, પ્રોહીબિશન એકટ મુજબ આરોપીઓ વિરુદ્ઘ અસંખ્ય કેસો દાખલ કરી, ધરપકડ કરી, દેશી દારૂ ૨૮૭૭ લીટર કિંમત રૂ. ૫૭,૬૦૦/- વિદેશી દારૂ બોટલ નંગ ૩૭૯૬ કિંમત રૂ. ૧૫,૦૬,૦૫૨/- વાહનો કિંમત રૂ. ૧૯,૬૫,૦૦૦/- તથા અન્ય મુદામાલ કિંમત રૂ. ૧,૫૮,૮૯૯/- રોકડ રકમ સહિતનો કુલ આશરે રૂ. ૩૬,૯૨,૯૫૧/- નો મુદામાલ પકડી પાડવામાં આવેલ છે. જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનો ખાતે લાયસન્સ ધારકો પાસેથી લાયસન્સ વાળા ૧૨૩૩ હથિયારો જમા પણ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લામાં લોકો નિર્ભય પણે મતદાન કરે તે માટે માથાભારે તથા જાણીતા ગુન્હેગારો ઉપર કડક અટકાયતી પગલાઓ લેવા અને પ્રોહીબિશનની બદી નેસ્ત નાબૂદ થાય એ માટે દેશી વિદેશી દારૂનો ગેર કાયદેસર ધંધો કરતા બુટલેગરોને દરરોજ ચેક કરી કેસો કરવાનું સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચાલુ રાખવા માટે પણ સૂચનાઓ કરવામાં આવેલ હતી.

(12:54 pm IST)