Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ગુજરાત પ્રેસ અકાદમી અને જિલ્લા માહિતી કચેરી - સુરેન્દ્રનગરના ઉપક્રમે 'કોરોના મહામારી દરમિયાન મીડિયાની ભૂમિકા અને તેની અસરો'

વઢવાણ તા. ૨૫ : રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિતે ગુજરાત પ્રેસ અકાદમી અને જિલ્લા માહિતી કચેરી – સુરેન્દ્રનગરના સંયુકત ઉપક્રમે 'કોરોના મહામારી દરમ્યાન મીડિયાની ભૂમિકા અને તેની અસરો' વિષય અંતર્ગત વેબીનાર યોજાયો હતો.

આ વેબીનારનાં મુખ્ય વકતા અને માર્ગદર્શક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ – અમદાવાદના ડાયરેકટરશ્રી ડો.શિરીષભાઈ કાશીકરએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં વિવિધ ઘટનાઓ અને વિષયો અન્વયે મીડીયાની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે. આ સમયગાળા દરમ્યાન મીડિયાકર્મીઓએ પત્રકારત્વના વિવિધ માધ્યમો થકી લોકો સુધી યોગ્ય માહિતી પહોંચાડી તેમનો ધર્મ સુપેરે નિભાવ્યો છે.

વધુમાં તેમણે સરકાર અને પ્રજા વચ્ચે માહિતી વહનના સૌથી મોટા સેતુ માધ્યમો છે તેમ જણાવી લોકડાઉન દરમિયાન લોકો સુધી યોગ્ય સંદેશાઓ પહોંચાડી પત્રકાત્વએ હકારાત્મક ભૂમિકા અદા કરી છે તેમ ઉમેર્યુ હતું.

તેમણે સમાચારના માધ્યમો અને તેની વિશ્વસનીયતા વિશે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન ડિજીટલ અને સોશ્યલ મીડિયાની ભૂમિકા મહત્વની સાબિત થઇ હતી. લોકડાઉનના સમયગાળા દરમિયાન લોકોમાં કોરોના અંગેની જનજાગૃતિ કેળવવાની કામગીરીમાં માધ્યમોએ સંયમ દાખવી હકારાત્મક વિગતો સાથે સરકાર દ્વારા કરવામાં આવતી ઉત્ત્।મ કામગીરી લોકો સુધી પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

આ વેબીનારમાં પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના નાયબ માહિતી નિયામકશ્રી નિરાલા જોશીએ પ્રારંભે સૌ સહભાગી પત્રકાર મિત્રોને આવકારી, મુખ્ય વકતાનો પરિચય આપી વેબીનારની રૂપરેખા આપી હતી. જયારે વેબીનારના અંતે સુરેન્દ્રનગર નાયબ માહિતી નિયામકશ્રી એચ.બી.દવેએ સ્થાનિક પત્રકારો દ્વારા કોરોનાકાળ દરમિયાન કરવામાં આવેલ કામગીરીનો ઉલ્લેખ કરી વેબીનારના મુખ્ય વકતા, મીડિયાકર્મી સહિત તમામનો આભાર વ્યકત કર્યો હતો.

(11:40 am IST)