Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

હળવદના અગરીયાઓની માઠી : રણમાં વરસાદી પાણી ઓસર્યા ત્યાં નર્મદાનું પાણી પહોંચ્યું

(દિપક જાનની દ્વારા) હળવદ,તા. ૨૫: હળવદને અડીને આવેલા કચ્છના નાના રણમાં મીઠું પકવવાના પ્રારંભ વખતે જ નર્મદાનું પાણી રણ સુધી પહોંચી ગયું છે જેને કારણે અગરિયાઓને મીઠું પકવવામાં ફટકો પડશે તેમ મનાઈ રહ્યું છે.

રણમાં કાળી મજૂરી કરી મીઠાનું ઉત્પાદન કરતા અગરિયા પરિવારોએ વરસાદી પાણી રણમાં ઓસરતા મીઠું પકવવા ના પાટા બનાવી ગાળા ખૂંદી હજી તો માંડ તર બનાવ્યું હતું તે વખતે જ નર્મદાનું પાણી છેક રણ સુધી પહોંચી જતા અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે હાલ નર્મદાનું પાણી છેક રણ સુધી પહોંચ્યું છે જેને કારણે અગરિયાઓને મીઠું પકવવામાં મુશ્કેલી પડશે તેમ જણાઈ રહ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ નર્મદાનું પાણી છેક રણ સુધી પહોંચવા પાછળનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગે ખેડૂતો કેનાલોમાં બકનળી નાખી પાણી લેતા હોય છે પરંતુ હાલ જીરું અને ઘઉંનું વાવેતર થતું હોય જેને કારણે અત્યારે ખાસ પાણીની બહુ જરૂરત રહેતી નથી જેથી બકનળી માંથી આવતું પાણી નદીમાં કે વોકરામાં વહેતું હોય છે જેને કારણે આ પાણી સીધુ રણમા પહોંચી જતું હોવાનું સામાજિક કાર્યકર ચકુજી ઠાકોર એ જણાવ્યું હતું સાથે જ તેઓએ ખેડૂતોને અપીલ પણ કરી છે કે પાણીનો ખોટો બગાડ ન કરો જરૂર ન હોય ત્યારે જે બખનળી ચાલુ છે તેને બંધ કરવામાં આવે તો પાણીનો પણ બચાવ થાય અને રણમાં મજૂરી કરી મીઠું પકવી પેટિયું રળતા અગરિયા ભાઈઓની મહેનત પર પાણીન ફરી જાય અને મહેનત એળે ન જાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ.

(11:33 am IST)