Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

સુરેન્દ્રનગરમાં પોલીસ સ્ટાફે સિમેન્ટ- રેતીના તગારા ઉપાડીને ૩ મહિનામાં પોલીસ સ્ટેશન બનાવ્યું

રાજકોટ,તા. ૨૫: પીએસઆઈ એન.એચ. ચાવડાની તા.૮ જુલાઈ ૨૦૨૦ના રોજ રાજકોટથી બદલી કરાઈ.તેમને સુરેન્દ્રનગર રેલવે પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા.બદલીના ૧૦ જ દિવસ બાદ મુશળધાર વરસાદ વરસ્યો.રેલવે પોલીસ સ્ટેશન નીચાણવાળા વિસ્તારમાં હોવાથી ચારેબાજુ પાણી પાણી હતું.પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ જતું હતું.જે કાયમી પ્રશ્નનો ઉકેલ લાવવા માટે પીએસઆઈ ચાવડાએ દ્રઢ સંકલ્પ કર્યો કે કોઈપણ સંજોગોમાં નવી ઈમારત બનાવવી જ છે.તેમણે રેલવેના કામ કરતા કોન્ટ્રાકટર અને દાતાઓનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન બનાવવા માટે મદદ લોકોના સહકારથી પોલીસ સ્ટેશન બનાવવાનું કામ શરુ કર્યું.તેણે લોકોને સમજાવ્યા.દાતાઓએ તેમને રોકડ રકમ આપવાનું શરુ કર્યું પણ આશ્યર્યની વાત એ હતી કે પીએસઆઈ રોકડ રકમ સ્વિકારતા ન હતા,પરંતુ દાતાઓ પાસેથી સીમેન્ટની થેલી,કપચી,ગ્રીટ અને ઈંટોનો સ્વિકાર કરવા લાગ્યા.

લોકડાઉનમાં ટ્રેનની અવરજવર બંધ થઈ ગઈ હતી.તે સમયે રેલવે પોલીસ પાસે કોઈ કામ ન હતું.જેથી પીએસઆઈ ચાવડા અને પોલીસ જવાનો જાતે જ કડીયા કામ કરતા હતા.તે સમયે એક ભાઈ પીએસઆઈ પાસે આવ્યા અને સીધો સવાલ કર્યો કે મારા ઘરે કડીયા કામ કરવા આવવું છે ? જોગાનુંજોગ તે સમયે એક પોલીસ કન્સ્ટેબલ પીએસઆઈ પાસે આવ્યો અને સલામ મારી.આ દ્રશ્ય નિહાળી તે ભાઈએ પુછ્યું કે કડીયાને કેમ સલામ મારે છે.તો પોલીસ જવાને કહ્યું કે આ સાહેબ છે અમારા,કડીયા નથી,પીએસઆઈ ચાવડા સાહેબ છે.જે સાંભળી તે માણસ ફફડી ગયો.

પોલીસ સ્ટેશનને પાણીમાં ગરકાવ થતું અટકાવવા અને કાયમી પ્રશ્ન હલ કરવો હોય તો પોલીસ સ્ટેશનની ઉંચાઈ વધારવી જરુરી હતી.એટલે ઉંચાઈ વધારવા માટે ૨૫૦ ટ્રેકટર ભરીને માટી લવાઈ હતી.ઉપરાંત વરસાદી પાણી આવતું રોકવા તથા ગટર કરતાં ઉંચાઈ વધારવા માટે માટે ૨૦૦ ફુટની દિવાલ પણ પોલીસે ચણી દીધી.રેલવે એસપી પરિક્ષિતા રાઠોડના હસ્તે નવન્િમિત પોલીસ સ્ટેશનની ઈમારતનું લોકાર્પણ કરાયું તે સમયે દરેક પોલીસ અધિકારી અને પોલીસ જવાનોની આંખો અશ્રુભીની થઈ ગઈ હતા.

(11:26 am IST)