Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

જેતપુરમાં ૩૦ લાખની લુંટ કરનાર રાજકોટની ટોળકી ઝબ્બે : ૪ પકડાયા

રાજકોટના શાકીર અને સમીરે લુંટ કર્યા બાદ દાગીના અને રોકડ રાજકોટમાં બનેવી અકબરને ત્યાં રાખી'તી : લુંટાયેલ મતાનો ભાગ પાડે તે પૂર્વે જ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા ટીમે દબોચી લીધા : એક વર્ષ પૂર્વે બંગાળી વેપારીએ લુંટની ટીપ આપી'તી : મુખ્ય સુત્રધાર શાકીર અને હનીફે માલદાર થવા બનેવી અકબરની મદદથી લુંટનું કાવત્રુ રચ્યું'તું : લુંટાયેલ તમામ દાગીના રોકડ-કબ્જે

રૂરલ એસ. પી. બલરામ મીણા તથા એલસીબીની ટીમ બાજુમાં પકડાયેલા લૂંટારૂઓ અને ઇન્સેટ તસ્વીરમાં કબ્જે કરેલો મુદામાલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૪ :.. જેતપુરમાં ત્રણ દિ' પૂર્વે સોની વેપારી ઉપર મરચુ છાંટી છરીની અણીએ સોનાના દાગીના અને રોકડ મળી ૩૦ લાખની મતાની લંૂટ કરનાર રાજકોટની ટોળકીને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી છે. લૂંટ કરનાર બે મુખ્ય સુત્રધાર તથા તેને મદદગારી કરનાર બે શખ્સોને દબોચી લેવાયા છે.

મળતી વિગતો મુજબ જેતપુરમાં ત્રણ દિ' પૂર્વે સોની બજારમાંથી મતવા શેરીમાં સોનાના દાગીના અને રોકડ મળી ૩૦.૪૦ લાખની મતા ભરેલો થેલો લઇને જતા વેપારી ચીમનભાઇ કાળાભાઇ વેકરીયાને બાઇકમાં આવેલ બે શખ્સોએ આંદારી આંખમાં મરચાની  ભુકી છાંટી છરીની અણીએ સોનાના દાગીના અને રોકડ ભરેલો થેલો લૂંટી નાસી છુટયા હતાં. ધોળા દિવસે લૂંટની ઘટના બનતા રૂરલ એસ. પી. બલરામ મીણા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે લૂંટ કરનાર મુખ્ય સુત્રધાર જેતપુર ગોંડલ દરવાજા ટાવર હાલ રાજકોટ કોઠારીયા સોલવન્ટના સાકીર મુસાભાઇ ખેડારા, તેનો નાનો ભાઇ તુફેલ ઉર્ફે બબો મુસાભાઇ ખેડારા, બનેવી અકબર જુસબભાઇ રીંગડીયા (રહે. કોઠારીયા સોલવન્ટ બરકતીનગર મુળ પારડી તા. લોધીકા) અને બાઇક હંકારનાર મિત્ર સમીર ઉર્ફે ભડાકો હનીફભાઇ કુરેશી (રહે. કોઠારીયા સોલવન્ટ) ને લૂંટાયેલ મુદામાલનો ભાગ પાડતા હતા ત્યારે જ દબોચી લીધા હતાં.

રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે લૂંટ કરનાર શાકીર મુસાભાઇ ખરેડા રે. કોઠારીયા સોલવન્ટ રાજકોટ, બાઇક હંકારનાર સમીર  ઉર્ફે ભડાકો હનીફભાઇ કુરેશી, લૂંટમાં મદદગારી કરનાર શાકીરના બનેવી અકબર લીંગડીયા રે. રહેમતપરા રાજકોટ તથા તુફેલ ખડેરા રે. રસુલપરા રાજકોટ લૂંટાયેલ મુદામાલનો ભાગ પડતા હતા ત્યારે જ દબોચી લીધા હતાં.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ લૂંટનો પ્લાન શાકીર અને સમીર ઉર્ફે ભડાકાએ ઘડયો હતો. અગાઉ એક વર્ષ શાકીરને કોઇ શેખઅખ્તર હુસેન નામના બંગાળી કારીગરે  આ લૂંટની ટીપ આપી હતી પણ જે તે વખતે તે અમલમાં મૂકી ન હતી. પરંતુ બાદમાં શાકીરે પૈસાદાર થવા માટે સમીરની મદદથી આ લૂંટનો પ્લાન અમલમાં  મુકયો હતો. લૂંટમાં વપરાયેલ બાઇક અકબરની માલીકીનું છે. લૂંટ કર્યા પૂર્વે બાઇકમાં ચાર નંબર પૈકી બે નંબર ભુસી નંખાયા હતા. જેથી બાઇક નંબર ઉપરની ઓળખ ન થાય.

લૂંટ કર્યા બાદ શાકીર અને સમીરે લૂંટાયેલ મુુદ્દામાલ ૧.૪૭, લાખ રોકડા અને સોનાના દાગીના શાકીરે તેના બનેવી અકબરના ઘરે રાખી દિધા હતા. લુંટમાં વાપરવાનું બાઇક તુફેલ ખડેરા જેતપુર લઇ આવ્યો હતો અને બાદમાં તે રાજકોટ બસમાં આવી ગયો હતો રાજકોટમાં અકબરના ઘરે શાકીર, સમીર, અકબર તથા તુફેલ લૂંટાયેલ મુદ્દામાલનો ભાગ પાડવા ભેગા થયા હતા ત્યારે જ રૂરલ ક્રાઇમ બ્રાંચે ચારેયને દબોચી લીધા હતા લૂંટાયેલ તમામ મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

આ લૂંટનો મુખ્ય સૂત્રધાર શાકીર અગાઉ જેતપુરમાં રહેતો હોય તે જેતપુરની પરિચિત હોય આ લૂંટનો પ્લાન અમલમાં મુકયો હતો.

આ કામગીરીમાં રૂરલ એલસીબી ના પીઆઇ એ. આર. ગોહીલ, જેતપુર સીટી પોલીસ મથકના પીઆઇ જે. બી. કરમુર તથા જેતપુર સીટી પોલીસ સ્ટેશન  ડિ-સ્ટાફ તથા પો. સબ. ઇન્સ. એચ. એમ. રણા એસ. ઓ. જી. પીએસઆઇ એચ. ડી. હીંગરોજા તથા એ. એસ. આઇ. પ્રભાતભાઇ બાલાસરા તથા હેડ કોન્સ. મહેશભાઇ જાની, રવિદેવભાઇ બારડ, મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, જયેન્દ્રસિંહ વાઘેલા, શકિતસિંહ જાડેજા, બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા તથા કોન્સ. નારણભાઇ પંપાણીયા, દિવ્યેશભાઇ સુવા, રહીમભાઇ દલ, ભાવેશભાઇ મકવાણા, કૌશીકભાઇ જોષી, નીલેશભાઇ ડાંગર, મેહુલભાઇ સોનરાજ, રસીકભાઇ જમોડ, પ્રકાશભાઇ પરમાર, ત્થા એ.એસ.આઇ. અમુભાઇ વિરડા,   હેડ કોન્સ. નરેન્દ્રભાઇ દવે, કોન્સ. અનિરૂધ્ધસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા ત્થા એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેજભાઇ સમા, હેડ કોન્સ., અમીતભાઇ કનેરીયા, હિતેષભાઇ અગ્રાવત, જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, સંજયભાઇ નીરંજની, અતુલભાઇ ડાભી તથા કોન્સ. રણજીતભાઇ ધાધલ, વિજયગીરી ગોસાઇ, કોન્સ. સાહીલભાઇ ખોખર, દીલીપસિંહ જાડેજા સહિતની ટીમને સફળતા મળીહતી.

લૂંટારૂ ટોળકીને ઝડપી લેનાર રૂરલ ક્રાઇમ બ્રાંચ તથા એસઓજીની ટીમને રેન્જ ડી.આઇ.જી.પી. સંદીપસિંહ તથા એસ.પી. બલરામ મીણાએ અભિનંદન પાઠવ્યા હતા.

સમીર અને સાકીર લૂંટ કર્યા બાદ જામનગર, અમદાવાદ ભાગી ગયા'તાઃ ૧ માસથી રેકી કરતા હતા

રાજકોટ : જેતપુરમાં સોની વેપારી ઉપર મરચુ છાંટી છરીની અણીએ થયેલી સોનાના દાગીના અને રોકડ મળી ૩૦ લાખની મતાની લૂંટની ઘટનામાં સાકીરે લૂંટનો માલ બનેવી અકબર રીંગડીયાને આપીને સાકીર અને મિત્ર સમીર ઉર્ફે બબો ખેડારા બંને બાઇક પર જામનગર બાદ અમદાવાદ ભાગી ગયા હતા અને લૂંટને અંજામ આપવા માટે બંને એક માસથી રેકી કરતા હતાં.

(3:02 pm IST)