Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

મોરબી જિલ્લાના ડેમોમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી અટકાવવા જાહેરનામું.

મોરબી ; બ્રાહ્મણી-૧ ડેમ આધારિત N C D – 4 જૂથ પાણી પુરવઠા યોજનામાં હળવદ તાલુકાના ૪૧ તથા હળવદ શહેર, ઘોડાધ્રોઇ ડેમ આધારિત મો.મા.જો. જૂથ સુધારણા યોજનામાં ૧૨ ગામો, મચ્છુ -૧ ડેમ આધારિત પાણી પુરવઠા યોજનામાં વાંકાનેર શહેર તથા મચ્છુ-૨ ડેમ આધારિત પાણી પુરવઠા યોજનામાં ૧૧ ગામો તથા મોરબી શહેરને આવરી લેવામાં આવેલ છે. હાલ ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઇ સદર ડેમોમાંથી ગેકાયદેસર રીતે પાણી ઉપડતું હોઇ ચોરી અટકાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

હાલના સંજોગો જોતા સૌરાષ્ટ્રના જીલ્લાઓમાં પીવાના પાણીની સંભવિત અછતની પરિસ્થિતિને ધ્યાને લઇ મોરબી જીલ્લામાં આવેલ બ્રાહ્મણી-૧, ઘોડાધ્રોઇ, મચ્છુ -૧ તથા મચ્છુ -૨ જળાશયમાં પાણી ચોરી થતી અટકાવવા માટે નિરોધાત્મક કે અટકાયતી પગલા લેવા અત્યંત જરૂરી અને આવશ્યક જણાય છે. બ્રાહ્મણી-૧, ઘોડાધ્રોઇ, મચ્છુ-૧ તથા મચ્છુ-૨ જળાશયમાં પીવાના પાણીના જથ્થામાંથી કોઇ ઇસમો/સંસ્થાઓ દ્રારા બિનઅધિકૃત રીતે પાણીનો જથ્થો મેળવવા કેનાલ/પાઇપલાઇન ડેમના ઘટકોને તોડફોડ અને નુક્શાન પહોંચાડવાના ગેરકાનુની કૃત્યો પ્રમાણિકતાના ધોરણે વિના વિલંબ અટકાવવાની બાબત સ્પષ્ટ થઇ જાય છે.
મોરબી જીલ્લાના બ્રાહ્મણી-૧, ઘોડાધ્રોઇ, મચ્છુ-૧ તથા મચ્છુ-૨ જળાશયના પાણી સાથે ચેડા ન કરવામાં આવે અને પાણીના જથ્થાનું પીવા માટે ન્યાયિક રીતે યોગ્ય વિતરણ કરવાના ઉમદા હેતુસર અને લોકહિતને ધ્યાને રાખી પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવા તેમજ પાણી ચોરી અટકાવવા બાબતે ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ ૩૩( ૧ )( એમ ) હેઠળ જાહેર હિતમાં જાહેરનામું બહાર પાડવામાં આવે છે.
જેથી જે.બી.પટેલ, જીલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જીલ્લાએ  મોરબી ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ-૩૩( ૧ )( એમ ) હેઠળ તેમને મળેલ સતાની રૂએ મોરબી જીલ્લાના બ્રાહ્મણી-૧, ઘોડાધ્રોઇ, મચ્છુ-૧ તથા મચ્છુ-૨ ડેમમાં પીવાના પાણી માટે જથ્થો અનામત રાખવા તેમજ નીચે મુજબના કૃત્યો કરવા પર મનાઇ ફરમાવેલ છે.
જીલ્લાના બ્રાહ્મણી-૧ , ધોડાધ્રોઇ, મચ્છુ-૧ તથા મચ્છુ-૨ મુખ્ય જળાશયોમાંથી પીવાના પાણીની બલ્ક પાઇપલાઇન/પીવાના પાણીની વિતરણ પાઇપલાઇનમાંથી કોઇ વ્યક્તિ કે સંસ્થાએ બિનઅધિકૃત રીતે ઇલેક્ટ્રીક મોટર/પમ્પ સેટ દ્રારા/ટેન્કર દ્રારા/ બકનળીઓ દ્રારા કે અન્ય કોઇ સાધનો દ્વારા પાણીની ચોરી કરવી નહીં કે કરાવવી નહીં તેમજ કેનાલ/પાઇપલાઇન તોડી પાણી ચોરી કરવી નહીં કે કરાવવી નહી.
જીલ્લાના બ્રાહ્મણી-૧, ઘોડાધ્રોઇ, મચ્છુ-૧ તથા મચ્છુ-૨ મુખ્ય જળાશયના નિયત હદથી ૫૦૦ મીટર ત્રિજ્યામાં નવા બોર કરવા નહીં કે કરાવવા નહી તેમજ બિનઅધિકૃત રીતે નવા ડીપવેલ, સબમર્શીબલ પમ્પ મુકવો નહી કે કોઈપણ રીતે જમીનમાંથી પાણી ખેંચવું નહીં અને જળાશયોમાંથી પસાર થતી પાણી માટેની પાઇપલાઇનો તથા કેનાલો સાથે ચેડા કરવા નહીં કે પાઇપલાઇનો તોડવી નહીં.
જીલ્લાના બ્રાહ્મણી-૧, ઘોડાધ્રોઇ, મચ્છુ-૧ તથા મચ્છુ-૨ મુખ્ય જળાશયના નિયત કરેલા વિસ્તારના ચાલુ બોર, કુવા ડીપવેલ, સબમર્સીબલ પમ્પનું પાણી કોઇપણ વ્યકિત કે સંસ્થા જિલ્લાના નિયત કરેલા મેજિસ્ટ્રેટ,મોરબીની પરવાનગી લીધા વિના વેચાણ કરી શકશે નહીં કે કરાવી શકશે નહીં.
જીલ્લાના બ્રાહ્મણી-૧, ઘોડાધ્રોઇ, મચ્છુ-૧ તથા મચ્છુ-૨ ડેમ જળાશય જેમાં સરકારથી દ્રારા પીવાના પાણીનો જથ્થો અનામત રાખેલ હોય તેવા જળાશયમાં સબમર્શીબલ પંપ/ડીઝલ પપ/ બકનળી કે અન્ય કોઈ રીતે પાણી વાળી જળાશયમાંથી પાણી ખેતીમાં ઉપયોગ કરવો નહીં
આ જાહેરનામું મોરબી જીલ્લાના બ્રાહ્મણી-૧, ઘોડાધ્રોઇ, મચ્છુ-૧ તથા મચ્છુ-૨ જળાશય તેમજ તેની પાઇપલાઇનમાંથી પીવાના પાણીની તાકીદની મુશ્કેલી કે અનિવાર્ય કારણોસર અથવા અન્ય ખાસ સંજોગોમાં સરકાર/ક્લેક્ટર/જિલ્લા વિકાસ અધિકારી/કાર્યપાલક ઇજનેર   (ગુજરાત  પાણી પુરવઠા & ગટર વ્યવસ્થા બોર્ડ),મોરબી/સીનીયર મેનેજર (સી), જી.ડબ્લ્યુ. આઇ.એલ કે અન્ય કોઇ સત્તાધિકારી દ્રારા પાણી માટે મંજૂરી આપવામાં આવી હોય તેવા જાહેર સેવકો અને ટેન્કરો કે પાણી પુરવઠાનું વિતરણ કરતા કોઇ પણ અધિકૃત વાહનોના અધિકૃત ધારણકર્તા ઇસમો કે ચાલકોને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામું તા. ૨૧/૦૭/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર બનશે.

(10:58 pm IST)