Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

સમલાના યુવકનું ધોકા વડે ઢીમ ઢાળી દીધું !

વાહનની રાહ જોતો હતો ત્‍યારે બોલાચાલી થતાં બે શખ્‍સો બાઇક ઉપર અવાવરૂ જગ્‍યામાં લઇ જઇ હત્‍યા કરી નાખી : બે આરોપીને ઝડપી લેવાયા : હત્‍યાનું કારણ અકળ : ચકચાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૫ : વઢવાણમાં લીંબડી તરફ જવા માટે સમલા ગામનો વ્‍યક્‍તિ વાહનની રાહ જોતો હતો. ત્‍યારે બોલાચાલી થતા ૨ શખસ દ્વારા આ વ્‍યક્‍તિને બાઇક પર લઇ જઇને ખારવા રોડ પર આવેલી બંજર જમીન ઉપર લઇ જઇને બેઝબોલના ધોકાથી ઢીમ ઢાળી દીધું હતું. આ બનાવમાં વઢવાણ પોલીસે બંને શખસને દબોચી લીધા હતા. અને મૃતક યુવાનનું પીએમ શહેરની મહાત્‍મા ગાંધી હોસ્‍પિટલ ખાતે કરવામાં આવ્‍યુ હતું. માહિતી મુજબ સમલા ગામના કસ્‍તુરભાઈ જીવણભાઈ વાઘેલા કારખાનાઓમાં સફાઇ સાથે મજૂરી કામ કરી કરતા હતા. ત્‍યારે વઢવાણ આવેલા કસ્‍તુરભાઈ લીંબડી તરફ જવાના વાહનની રાહ જોતા હતા.

આ દરમિયાન ૨ શખસ સાથે બોલાચાલી થતા કસ્‍તુરભાઇને બાઇક ઉપર ખારવા રોડ પર આવેલી બંજર જમીન તરફ લઇ જઇને બેઝબોલના ધોક્કાથી માર મારીને કસ્‍તુરભાઈની હત્‍યા કરી નાખી હતી. બનાવને પગલે પીએસઆઈ ડી.ડી. ચુડાસમા સહિતની સ્‍ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. અને ગણતરીના કલાકોમાં જ હત્‍યાનો ભેદ ઉકેલી નાખવાની સાથે વઢવાણ ખારવા રોડ હુડકો વિસ્‍તારમાં રહેતા યુવરાજસિંહ ગંભીરસિંહ મોરી તેમજ દિવ્‍યરાજ ઉર્ફે દેવરાજ ધીરૂભા બારડને પોલીસે ઝડપી લીધા હતા. આ ઉપરાંત હત્‍યાના બનાવમાં બેઝબોલનો ધોકો તેમજ બાઇક પણ પોલીસે જપ્ત કર્યું હતું.

જિલ્લાના પોલીસ અધિક્ષક હરેશ દુધાત સુચના અનુસાર આ વ્‍યક્‍તિ સાથેનો શું સંબંધ હતો અને તેની હત્‍યા કરવા પાછળનું કારણ શું તે તમામ વિગતોની તપાસ હાથ ધરવામાં આવશે.

સુરેન્‍દ્રનગર જિલ્લાની કાયદો-વ્‍યવસ્‍થા દિનપ્રતિદિન કથળી રહી છે ત્‍યારે હાલમાં વઢવાણ શહેરમાં હત્‍યાનો બનાવ સામે આવ્‍યો છે ત્‍યારે આ હત્‍યામાં પત્‍ની અને તેના બાળકો નોંધારા બન્‍યા છે. હત્‍યા કરનારા અને હત્‍યા જે થઈ છે બંને અલગ-અલગ જ્ઞાતિના છે.

સુરેન્‍દ્રનગર શહેરમાં એક જ દિવસમાં ત્રણ બનાવો બન્‍યા છે ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેર ની કાયદો-વ્‍યવસ્‍થા અને પોલીસ તંત્રના સરેઆમ ધજાગરા બોલ્‍યા છે ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેરમાં અને જિલ્લામાં અને તેના તાલુકામાં કાયદો-વ્‍યવસ્‍થા સુંદર અને સરસ બને તેવી વ્‍યવસ્‍થા કરવા માટેની જનતામાંથી માગણી ઉઠવા પામી છે.

(12:14 pm IST)