Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

નરેન્‍દ્રભાઇના આગમન પહેલા આટકોટમાં સુરક્ષાનું નિરીક્ષણ કરતા હર્ષ સંઘવી

અદભૂત માનવ મંદિરના નિર્માણ માટે ગૃહમંત્રીએ ડો. ભરતભાઇ બોઘરાને અભિનંદન પાઠવ્‍યાઃ અરવિંદ રૈયાણી, મોહનભાઇ કુંડારીયા, જયરાજસિંહ જાડેજા, જયેશ રાદડિયા, સહિતનાની ઉપસ્‍થિતી

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.  રપ :.. આગામી તા. ર૮ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી આટકોટની કે. ડી. પરવાડીયા હોસ્‍પિટલનાં લોકાર્પણ પ્રસંગે આવવાના છે ત્‍યારે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી પણ ગઇકાલે આટકોટ આવી સુરક્ષાને લગતી જીણામાં જીણી વિગતો મેળવી ઉચ્‍ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

વડાપ્રધાનના આગમન પહેલા જીલ્લાનાં ઉચ્‍ચ અધિકારીઓ રોજ સ્‍થળ ઉપર આવે જ છે ત્‍યારે ગઇકાલે બપોરે ૪ વાગ્‍યા આસપાસ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ આટકોટ આવ્‍યા હતા જયાં ડો. ભરતભાઇ બોઘરા ટ્રસ્‍ટના પ્રમુખ બાબુભાઇ અસલાલીયા ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશભાઇ ગજેરા, કે. ડી. પરવાડીયા હોસ્‍પિટલના મુખ્‍ય દાતા હરેશભાઇ પરવાડીયાએ હર્ષ સંઘવીને આવકાર્યા હતાં.

ગૃહ રાજયમંત્રી અને મંત્રી અરવિંદભાઇ રૈયાણી બાદમાં વિશાળ હોસ્‍પિટલમાં વ્‍યવસ્‍થા જોઇ હતી વ્‍યવસ્‍થા જોઇ તેમણે પૂર્વ ધારાસભ્‍ય ડો. ભરતભાઇ બોઘરાને વિશાળ અને સુંદર માનવ મંદિર બનાવવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતાં.

બાદમાં વડાપ્રધાનની સુરક્ષાને ધ્‍યાને લઇ ગૃહપ્રધાને રેન્‍જ આઇ. જી. સંદિપસિંહ, જીલ્લા કલેકટર અરૂણબાબુ મહેશ, જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના ઉચ્‍ચ અધિકારીઓ પાસેથી રજે-રજની વિગતો  મેળવી જરૂરી સુચનાઓ આપી હતી.

ત્‍યારબાદ સભા મંડપની મુલાકાત લઇ ત્‍યાં પણ સુરક્ષાનાં પાસાઓ જીણવટભરી જોઇ જસદણ પ્રાંત ઓફીસે જીલ્લા અને તાલુકાના સરકારી અધિકારીઓ સાથે મીટીંગ કરી જાત માહિતી મેળવી હતી.

હર્ષ સંઘવી અને બીજા મંત્રી અરવિંદ રૈયાણીની આટકોટની મુલાકાત સમયે સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજા, ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઇ રામાણી, નાગદાનભાઇ ચાવડા રાજકોટના મેયર પ્રદીપભાઇ ડવ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઇ હુંબલ સહિત જીલ્લાના અને તાલુકા ભાજપ સંગઠનનાં હોદેદારો હાજર રહયા હતાં.

લોકાર્પણની સંપૂર્ણ તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. પરેશભાઇ ગજેરાની આગેવાની હેઠળ ૬ હજાર જેટલા સ્‍વયસેવકો કામે લાગી ગયા છે.

ર લાખથી વધુ લોકો ભેગા થવાના છે ત્‍યારે આવનારા કોઇને કંઇપણ જાતની મુશ્‍કેલી ન પડે તે માટે આયોજકો જીણામાં  જીણી બાબતોને ધ્‍યાને રાખી વ્‍યવસ્‍થા કરી રહ્યા છે.

ગઇકાલથી અમુક જગ્‍યાએ વરસાદ પડયો છે ત્‍યારે ખેતરોમાં ઉભા કરાયેલા ડોમમાં કે નરેન્‍દ્રભાઇ મોદી માટે બનાવવામાં આવેલા રોડ ઉપર આવવા-જવામાં મુશ્‍કેલી ન પડે તે માટે યુધ્‍ધના ધોરણે માર્ગ-મકાન વિભાગ દ્વારા અગાઉથી તૈયારી કરવામાં આવી છે.

મેદની ભેગી કરવા જીલ્લા ભાજપ, શહેર ભાજપ તેમજ સાત જીલ્લાનું ભાજપ સંગઠન કામે લાગી ગયું છે.

 

આટકોટમાં હોસ્‍પિટલના લોકાર્પણ પહેલા હર્ષ સંઘવી દ્વારા નિરીક્ષણ

આટકોટ :.. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે શનીવારે આટકોટમાં પટેલ સેવા સમાજ સંચાલિત કે.ડી.પી. મલ્‍ટી સ્‍પેશ્‍યાલીસ્‍ટ હોસ્‍પિટલનું લોકાર્પણ થશે. ત્‍યારે ગઇકાલે રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આટકોટની મુલાકાત લીધી હતી અને હોસ્‍પિટલના સ્‍વપ્‍નદ્રષ્‍ટા ડો. ભરતભાઇ બોઘરા પાસેથી વિગતો મેળવી હતી. અને  હોસ્‍પિટલ તથા કાર્યક્રમ સ્‍થળનું નિરીક્ષણ કર્યુ હતું. આ તકે રાજયમંત્રી અરવિંદભાઇ રૈયાણી, મોહનભાઇ કુંડારીયા, કલેકટર અરૂણ મહેશબાબુ સહિતના ઉપસ્‍થિત રહ્યા હતાં. (તસ્‍વીર - અહેવાલ : વિજય વસાણી -આટકોટ)

(11:55 am IST)