Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ગોંડલ માર્કેટિંગ યાર્ડની ૨૦ વિઘા જમીનમાં ટ્રાન્‍સપોર્ટ નગર વિકસાવવામાં આવ્‍યું: યાર્ડના ચેરમેન ‘વિઝન મેન' બન્‍યા

૧૦૦૦ જેટલા ગુડ્‍સ વ્‍હિકલ સમાવી શકાય તેવી વ્‍યવસ્‍થાઃ ડ્રાઇવરો માટે અધ્‍યતન ઓફિસ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૫: સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર ગુજરાત સહિત દેશ ભરમાંથી ખેડૂતો વેપારીઓ રોજીંદા માલ લેવા વેચવા માટે આવી રહ્યા છે ત્‍યારે ટ્રાફિક સમસ્‍યા વધી રહી હોય માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા તાકીદે ૨૦ વિઘા જમીનમાં ટ્રાન્‍સપોર્ટનગર વિકસાવીને એક દીર્ઘદ્રષ્ટિ સમાન ઉમદા કાર્ય કરવામાં આવ્‍યું છે. ટ્રાન્‍સપોર્ટનગરના પ્રણેતા.

માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયાએ જણાવ્‍યું હતું કે પૂર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજાના માર્ગદર્શન ને ધ્‍યાને લઇ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ૨૦ વિઘા જમીનમાં ટ્રાન્‍સપોર્ટ નગર વિકસાવવામાં આવ્‍યું છે જેમાં ૮૦૦ થી હજાર માલવાહક વાહનો સમાવેશ કરી શકાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત ડ્રાઇવરો માટે ઓફિસ બનાવવામાં આવી છે જયાં લાઈટ, પાણી, બાથરૂમ, મિનરલ વોટર, મોબાઈલ ચાર્જિંગ સહિતની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે. આ સુવિધાઓને પરિણામે ડ્રાઈવરોને ખાસ્‍સી રાહત મળી રહી છે .બીજી બાજુ ટ્રાન્‍સપોર્ટ પણ જણાવી રહ્યા છે કે આવી સુવિધાઓ તો અમે સ્‍વપ્‍ને પણ વિચારી ન હતી.

માર્કેટિંગ યાર્ડ માં ટ્રાન્‍સપોર્ટ નગર બનવાથી માત્ર ને માત્ર ટ્રાન્‍સપોર્ટરો કેᅠ ડ્રાઇવરોને જ ફાયદો થઈ રહ્યો નથી ખેડૂતો અને વેપારીઓને પણ મબલખ ફાયદો થઇ રહ્યો છે સરેરાશ માર્કેટિંગ યાર્ડમાં ૫૦૦ જેટલા ટ્રક મગફળી સહિતની જણસીઓ ભરીને આવે તો આશરે ૫૦૦૦૦ ગુણી જેવી જણસીઓની આવક ગણવામાં આવે છે જો એક ગુણી ચડાવ ઉતારની મજુરી પંદર રૂપિયા ગણવામાં આવે તો રોજિંદા સાડા સાત લાખ રૂપિયા જેટલો ખેડૂતોને ખર્ચ વેઠવો પડતો હતો તે બંધ થતાં તેનો સીધો જ ફાયદો ખેડૂતો વેપારીનો થઈ રહ્યો છે.

આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં ટ્રાફિક સમસ્‍યા ન સર્જાય તે માટે યાર્ડની અંદર આવતા વાહનો માટે પણ નીતિ નિયમો કડક બનાવવામાં આવ્‍યા છે જો કોઈપણ મેટાડોર કે ટ્રક ચાલક બિનઅધિકૃત રીતે માર્કેટિંગ યાર્ડમાં પોતાનું વાહન પાર્ક કરીને જતા રહે તો તેઓની પાસેથી રૂપિયા ૨૦૦ દંડ મુજબ વસુલ કરવામાં આવશે, આ નિયમ માર્કેટીંગ યાર્ડના ચેરમેન, ડિરેક્‍ટરો કર્મચારીઓ સર્વે ને લાગુ પડશે તેવું બોર્ડ ઓફ ડિરેક્‍ટરમાં પણ નક્કી કરવામાં આવ્‍યું છે

(10:35 am IST)