Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

જસદણ તાલુકા સેવાસદન કચેરીના ગ્રાઉન્‍ડમાં આગઃ વાયરીંગમાં શોર્ટ સર્કીટને લીધે ધડાકા

રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીના આગમન પૂર્વે તંત્રમાં દોડધામ મચી ગઇ

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ, તા.૨૫: તાલુકા સેવાસદન કચેરીમાં સાંજના સુમારે અચાનક કચેરીના મેઈન વાયરીંગમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી. આ આગ લાગતા વાયરીંગમાં અનેક ધડાકાઓ થતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પહેલા આટકોટ હોસ્‍પિટલની મુલાકાત લીધા બાદ જસદણ તાલુકા સેવાસદન કચેરી ખાતે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મોદીના આગમનને લઈને મીટીંગ યોજવાના હતા. તે પૂર્વે જ અચાનક આ આગની ઘટના બનતા વહીવટી તંત્રની સુરક્ષા સામે લોકોમાં અનેક સવાલો ઉઠ્‍યા હતા. આ આગની ઘટના જયારે જસદણ તાલુકા સેવાસદન કચેરીના ગ્રાઉન્‍ડ ખાતે બની હતી. ત્‍યારે પોલીસ જવાનો ગૃહમંત્રીના આગમનને લઈને સુરક્ષામાં ઉભા હતા. પરંતુ અચાનક ધડાકા સાથે આ આગની ઘટના બનતા પોલીસ જવાનોમાં અફડાતફડી મચી ગઈ હતી.

આજુબાજુના લોકોમાં ફફડાટ મચી ગયો હતો. પ્રચંડ ધડાકા થતા કચેરીની આજુબાજુના લોકો પોતાની દુકાનો અને ઘરની બહાર નીકળી ગયા હતા જોકે બાદમાં કચેરીના સ્‍ટાફે ફાયરની મદદથી આગને કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્‍યો હતો અને આ આગની ઘટનાને લીધે કોઈ દુર્ઘટના ન ઘટતા વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

(10:32 am IST)