Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

લીંબડીનાં જનસાળી ગામે થતી માટી ચોરી બંધ કરાવો :ગ્રામજનોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

અનેક રજૂઆત છતાં તપાસ કરવાની તસ્દી નહીં લેતાં તંત્ર વિરુદ્ધ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો

લીંબડી તાલુકાનાં જનસાળી ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ચોરી થતી હોવાની ગ્રામ પંચાયત સભ્યો અને ગ્રામજનોએ પોલીસ, કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી હતી. માટીનું ગેરકાયદેસર ખનન ચાલવતા સરપંચ અને તા.પંચાયતનાં સભ્યનાં પુત્ર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હાથ નહીં ધરાતા આખરે થાકીને જનસાળીનાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે

જનસાળી ગ્રામ પંચાયતનાં સભ્યો સહિત ગ્રામજનોએ કલેક્ટર, ટીડીઓ, ડીવાયએસપી, ખાણ ખનીજ વિભાગ, મુખ્યમંત્રી સહિતની કચેરીમાં લેખિત રજૂઆત કરી જનસાળી ગામે જૂના રેવન્યુ સર્વે નં-56 સરકારી જમીનમાં સરપંચ વિજયભાઈ સોલંકી અને લીંબડી તા.પંચાયતનાં પૂર્વ સભ્ય ગગજીભાઈ ગોહીલનો પુત્ર અજીતભાઈ ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરાવી રહ્યાં હોવાની અનેકોવાર રજૂઆત કરી હતી. સરપંચ કે તેના સાગરિત વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત તો દૂર રહી પરંતુ તંત્ર દ્વારા લોકોની રજુઆતો ધ્યાને લઈ સ્થળ તપાસ પણ કરવામાં નહીં આવી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો.

તપાસ કરવાની તસ્દી નહીં લેતાં તંત્ર વિરુદ્ધ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેને કારણે જનસાળીના ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. તપાસમાં આવે ત્યારે અરજદારો અને ગ્રામજનોને જાણ કરવી સરપંચને પદ પરથી દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે

(9:13 pm IST)