Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

પડધરીના થોરીયાળીમાં ૩.પ૦ લાખની લુંટમાં આદિવાસી શખ્સોની સંડોવણી હોવાની શંકા

વાડી મકાનમાં સુતેલા વૃધ્ધ પટેલ દંપતિને મારમારી ૩ લાખની રોકડ અને સોનાની બુટી લુટી લેનાર જાણભેદુ હોવાથી શંકાએ તપાસનો ધમધમાટ : થોરીયાળી ગામમાં મોટી સંખ્યામાં આદિવાસી મજુરો રહે છે : મગફળી વેચાણના રૂપિયા આવ્યા હોવાની લૂંટારૂઓને જાણ હોવાની પોલીસને શંકા

રાજકોટ, તા. રપ :  પડધરીના થોરીયાળી ગામની સીમમાં રહેતા વૃધ્ધ પટેલ દંપતિને ધમકાવી-મારકૂટ કરી રૂ. ૩.પ૦ લાખની મતા લૂંટી લેનાર લૂંટારૂઓ આદિવાસી શખ્સે હોવાની અને જાણભેદુ હોવાની શંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી વિગત મુજબ થોરીયાળી ગામની સીમમાં વાડીના મકાનમાં એકલા રહેતા વૃધ્ધા નાનજીભાઇ શિંગાળા અને તેમના પત્ની વજીબેન સુતા હતા ત્યારે બુધવારની લૂંટારૂઓએ મકાનનું બારણુ જોરથી ખખડાવ્યા બાદ બારણુ તોડી નાંખી અંદર ઘુસી જઇ વૃધ્ધ દંપતિના મ્હો ઉપર ઓશીકા દાબી દઇ ધોકાના ઘા મારવાનું શરૂ કર્યુ હતું. ત્રણ પૈકી એક લુંટારૂએ વૃધ્ધ વજીબેનના કાનમાંથી સોનાની બન્ને બૂટી ખેંચી લેતા તેને ઇજા થઇ હતી. અન્ય બે લુુંટારૂઓએ મકાનમાં કિંમતી માલમતા શોધવાનું શરૂ કર્યુ હતું. ત્રણેય લૂંટારૂઓ વૃધ્ધ દંપતિને મારમારી પૈસા કયાં રાખ્યા છે ? તેવું ગુજરાતીમાં રટણ કરતા હતા અને મારમારતા હતા બાદમાં ત્રણ પૈકી બે લૂંટારૂઓને કબાટની નીચે રાખેલા રૂ. ૩ લાખ રોકડા મળી આવતા આ રોકડ રકમ સોનાની બૂટી અને મોબાઇલ લૂટી ત્રણેય લૂંટારૂઓ નાસી છુટયા હતા. બાદમાં સવારે વૃધ્ધ દંપીતએ ગ્રામ્યજનોને જાણ કરતા પડધરી પોલીસને જાણ કરાતા પી.એસ.આઇ. લગારીયા, એલ.સી.બી.ના પી.આઇ. અજયસિંહ ગોહિક તથા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ને કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

બનાવ અંગે ઇજાગ્રસ્ત વૃધ્ધ વજીબેન શિંગાળાની ફરીયાદ ઉપરથી પડધરી પોલીસે અજાણ્યા લુંટારૂઓ સામે ગુન્હો દાખલ કર્યો હતો.

દરમિયાન આ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવા રૂરલ એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની ટીમો કામે લાગી છે. પોલીસના જણાવ્યા મુજબ જયાં લુંટની ઘટના બની છે તે થોરીયાળી ગામમાં મોટી સંખ્યા આદિવાસી મજુરો રહે છે. આ લૂંટમાં આદિવાસી શખ્સોની સંડોવણી હોવાની શંકા છે. તેમજ વૃધ્ધ પટેલ દંપતિએ અઠવાડીયા પૂર્વે જ મગફળીનું વેચાણ કર્યુ હોય ઘરમાં મોટી રોકડ રકમ અને પટેલ દંપતિ એકલા જ રહેતા હોવાની લૂંટારૂઓ જાણતા હોવાની પોલીસને શંકા છે. લૂંટમાં જાણભેદુ આદિવાસી શખ્સોની સંડોવણી હોવાની શંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને ટુંક સમયમાં ભેદ ઉકેલાયા તેવી શકયતા છે.

આ લુંટનો ભેદ ઉકેલવા રૂરલ ક્રાઇમ બ્રાંચને પી.આઇ. અજયસિંહ ગોહિલ, પી.એસ.આઇ. વી.એમ. કોલાદરા, એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. વી.એમ. લાગરીયાની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(12:48 pm IST)