Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

બગોદરા પાસે ૪ કરોડની લૂંટમાં જાણભેદુ હોવાની શંકા

અમદાવાદ એલસીબી અને જુદી-જુદી ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્કવોડની મદદથી તપાસનો ધમધમાટ

(ફઝલ ચૌહાણ દ્વાર) વઢવાણ, તા.૨૫: બાવળા- બગોદરા હાઇ-વે ઉપર એસ.ટી બસમાંથી આંગડીયા કર્મચારીનુ અપહરણ કરીને ૩ કરોડના સોનાના દાગીના અને ૧ કરોડ રોકડા સહિત રૂ.૪ કરોડની લૂંટ પ્રકરણમાં જાણભેદુ હોવાની પોલીસને આશંકા છે અને અમદાવાદ એલસીબી ટીમ સહિત જુદી-જુદ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અને સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.

આ બનાવની વિગત મુજબ રતનપોળના મિર્ચી પોળમાં આવેલી અમદાવાદ અમૃતલાલ માધવલાલ એન્ડ કંપનીના કર્મચારી અને પાટણમાં રહેતા ચૈનાજી લાલુજી પરમાર તથા મિર્ચી પોળમાં જ આવેલી માધવલાલ મગનલાલ એન્ડ કંપનીના નરોડા પાસેના હંસપુરામાં રહેતા કર્મચારી રાજેશભાઇ ચેલાભાઇ પટેલ (પપ) ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ગીતા મંદિરથી એસ.ટી.બસમાં રાજકોટ જવા નીકળ્યા હતા. દરમિયાન બસ બાવળા બગોદરા હાઇવે પર કલ્યાણગઠ, કામધેનુ કંપની પાસેથી પસાર થઇ રહી હતી. તે સમયે કારમાં આવેલા છે શખ્સોએ એસ.ટી.બસને અટકાવી હતી. બાદમાં કારમાંથી બે શખ્સો ઉતરીને બસમાં ચઢયા હતા. તેમણે ચૈલાજી પરમાર અને રાજેશભાઇ પટેલને પોતે ઇન્કમટેક્ષના ઓફિસરો છે કહીને બસમાંથી નીચે ઉતાર્યા હતા. તેમણે તપાસ માટે જવાનું છે કહીને બંનેને કારમાં બેસાડી દીધા હતા.

ત્યારબાદ કારમાં બેસાડી ખેડા તરફ આવેલ વાસણા ગામ પાસે બંન્ને આંગડીયા પેઢીના કર્મચારીઓને બાંધીને સોનાના દાગીના ભરેલ બેગ લઈને નાસી છુટયાં હતાં. જયારે બંન્ને કર્મચારીઓએ બુમાબુમ કરતાં આસપાસના ખેડુતો સહિત વાહનચાલકો આવી પહોંચ્યા હતાં અને બંન્ને કર્મચારીઓને બંધનમાંથી મુકત કરાયા હતાં ત્યારબાદ તપાસ કરતાં મુદ્દામાલ ભરેલ ખાલી થેલા ધોળકા તાલુકાના રૂપગઢ ગામેથી મળી આવ્યાં હતાં જયારે આ મામલે આંગણડીયા પેઢીના સંચાલકો સહિત ભોગ બનનાર કર્મચારીઓએ ૧૦૦ નંબરમાં ફોન કરી જાણ કરતાં અમદાવાદ જીલ્લા પોલીસવડા વિરેન્દ્રસીંગ યાદવ, ડીવાયએસપી રીના રાઠવા, એલસીબી પીઆઈ આર.જી.ખાંટ, એસઓજી પીઆઈ ડી.એન.પટેલ સહિતનો પોલીસ કાફલો દ્યટના સ્થળે આવી પહોંચ્યો હતો અને અલગ-અલગ ટીમો બનાવી નાસી છુટેલ આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. જયારે લોકમુખે થતી ચર્ચા મુજબ અંદાજે ૩ કિલોથી વધુ સોનું સહિત અંદાજે રૂ.૪ કરોડની લુંટ થઈ હોવાનું બહાર આવ્યું હતું જો કે આ મામલે મોડીસાંજ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જીલ્લામાં દિન-પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે દિન-દહાડે આંગડીયા પેઢીના બે કર્મચારીઓ લુંટાતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

(12:44 pm IST)