Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ગીરનારના ભૈરવ જપ શિખર પર સડસડાટ ચડતો યુવક વડાલનો પ્રેમ કાછડીયા

વર્ષો પહેલા અકસ્‍માતમાં બન્ને પગ ભાંગી ગયા'તાઃ ભૈરવદાદા પ્રત્‍યે અપાર શ્રધ્‍ધા હોવાથી દર મહિને ૩ થી ૪ વખત સીધુ ચઢાણ ચડીને ભૈરવ જપ જગ્‍યાએ જાય છેઃ ઘણીવાર ગીરનારના પહાડો ચડીને પણ પહોંચી જાય છે : સોશ્‍યલ મીડીયામાં વિડીયો વાયરલ થયા બાદ આ યુવકની ઓળખ મળીઃસેવાભાવી યુવક ગીરનાર ઉપર આવેલ સેવાદાસ આશ્રમમાં સેવા આપે છેઃ ગીરનારમાં લાઈટ જાય તો તરત જ પ્રેમભાઈ એક પણ રૂપિયો લીધા વગર લાઈટ રીપેર કરી આપે છે

 (વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૨૫ : બે દિવસથી સોશ્‍યલ મીડીયામાં જૂનાગઢનો ગીરનાર પર્વત સીધા રસ્‍તે નહી પરંતુ પર્વતો ઉપર થઈને સડસડાટ ચડનાર એક યુવકનો વિડીયો વાયરલ થયો છે. જેમાં આ યુવક કોણ છે ? તે અંગે ભારે ચર્ચા જાગી હતી. જો કે વિડીયોમાં દેખાતો યુવક જૂનાગઢ જિલ્લાના વડાલનો પ્રેમ કાછડીયા હોવાનું જાણવા મળ્‍યુ છે.
ભૈરવજપ અંગે માહિતી આપતાં પ્રેમભાઈ કાછડીયા કહે છે, ‘આ જગ્‍યા સાધુઓ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી છે. અહીં જવું હોય તો સેવાદાસ બાપુના આશ્રમમાંથી બાપુની પરમિશન લેવી જ પડે. જો કોઈ આ જગ્‍યા અંગે જાણતું હોય તો જ તેને પરમિશન મળે છે, બાકી અજાણ્‍યા માણસો માટે પરમિશન નથી આપતા. ભૈરવજપ સેવાદાસ આશ્રમ પાસે આવેલી એક જગ્‍યા છે, જે ગિરનારના ફોટામાં નાક આકારે જોવા મળે છે.' ભૈરવજપ પર ભૈરવદાદાનું સ્‍થાનક આવેલું છે, જ્‍યાં શિવરાત્રિના મેળા વખતે એટલે કે મહાવદ નોમ અને પરિક્રમા વખતે એટલે કે કારતક સુદ નોમના દિવસે ભૈરવદાદાને ધજા અર્પણ કરવામાં આવે છે. આ ધજા પણ પ્રેમભાઈ કાછડીયા જ ચડાવે છે.
છેલ્લા બે દિવસથી ગિરનારના ભૈરવજપનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક વ્‍યક્‍તિ રમતાં રમતાં ભૈરવજપના સીધા ચઢાણને ચડી જાય છે અને એટલી જ સરળતાથી ઊતરી પણ જાય છે એવું વીડિયોમાં જોઈ શકાય છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોને કારણે આ યુવાન ‘દેશી સ્‍પાઇડરમેન' તરીકે જાણીતો બન્‍યો છે. અંદાજે ૪ મિનિટમાં જ આ યુવાન ભૈરવજપ સર કરીને ફરીથી નીચે ઊતરી જાય છે. દર મહિને ત્રણથી ચાર વખત જાય છે
આ વીડિયોમાં જે વ્‍યક્‍તિ દેખાય છે તેમનું નામ છે પ્રેમ કાછડિયા છે. જૂનાગઢ જિલ્લાના વડાલમાં રહેતા પ્રેમભાઈએ ધોરણ ૯ સુધી અભ્‍યાસ કર્યો છે અને હાલ ગિરનાર પર આવેલા સેવાદાસ બાપુના આશ્રમમાં સેવા આપી રહ્યા છે. પ્રેમભાઈ છેલ્લાં ૨૦ વર્ષથી ભૈરવજપ પર જાય છે. દર મહિને ત્રણથી ચાર વખત તેઓ આ રીતે સીધું ચઢાણ ચડી ભૈરવ દાદાના ધૂપ-દીવા અને સિંદૂર ચડાવવા માટે ભૈરવજપ પર જાય છે.
પ્રેમભાઈ કાછડીયા ગિરનાર પર આવેલા સેવાદાસ આશ્રમમાં ઇલેક્‍ટ્રિશિયન તરીકે સેવા આપે છે. માત્ર સેવાદાસ બાપુના આશ્રમે જ નહીં, ગિરનાર પર આવેલા કોઈપણ આશ્રમમાં લાઇટ જાય તો પ્રેમભાઈ જ એને ફ્રીમાં રિપેર કરી આપે છે. મોટે ભાગે તેઓ સેવાદાસ બાપુના આશ્રમમાં જ રાત્રિ રોકાણ કરતા હોય છે. માત્ર આશ્રમ જ નહીં, અન્‍ય કોઈ જગ્‍યાએ પણ ગિરનારમાં લાઇટ જાય તો પ્રેમભાઈ એને કોઈપણ ચાર્જ લીધા વગર રીપેર કરી નાખે છે.
પ્રેમભાઈ કાછડીયાના વર્ષો પહેલાં અકસ્‍માતમાં બંને પગ ભાંગી ગયા હતા પરંતુ ભૈરવદાદા પ્રત્‍યે અપાર શ્રધ્‍ધા હોવાથી તેઓ સારવાર બાદ સાજા થઈ ગયા હતા અને  હિંમત હાર્યા વગર ભૈરવજપ ટૂંક ઉપર વર્ષમાં ૩૬ વાર ચડે છે. તેઓ પહેલી વખત ૨૦ વર્ષ પહેલાં ચડ્‍યા હતા.
પ્રેમભાઈ ભૈરવજપ પર ચડવા અંગે કહે છે, ‘ત્‍યાં ચડતી વખતે બધું ભુલાઈ જાય છે. કયાં જતો હોઉં છું એ યાદ રહેતું નથી, બાકી બધું ભૈરવદાદાને જોવાનું. આ જગ્‍યાએ પહેલી વખત ૨૦ વર્ષ પહેલાં ચડ્‍યો હતો.' વધુમાં તેઓ જણાવે છે કે ‘ભૈરવદાદાએ પરીક્ષા બહુ લીધી. એકવાર ટૂ-વ્‍હીલરમાં એક્‍સિડન્‍ટ થયો હતો. ત્‍યારે પડી ગયો હતો અને મારા બંને પગ ડેમેજ થઈ ગયા હતા, પણ ભૈરવદાદાની કળપાથી હાલ એકદમ સારું થઈ ગયું છે.'
પ્રેમભાઈ સેવાકીય પ્રવળત્તિ વિશે જણાવતાં કહે છે કે ગિરનાર પર આવેલા સેવાદાસ બાપુના આશ્રમે જ સેવાકાર્ય કરે છે. જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો હોય ત્‍યારે કે પછી પરિક્રમા હોય ત્‍યારે ઘણા યાત્રિકો આવતા હોય છે. તેમાંથી જો કોઈને આશ્રમમાં નાઇટ હોલ્‍ટ કરવો હોય તો એની વ્‍યવસ્‍થા કરી આપું છું. તેમને ફ્રીમાં રહેવા-જમવાની વ્‍યવસ્‍થા પણ કરી આપું છું.'
પ્રેમભાઈ કાછડીયાના મોબાઈલ નં. ૯૭૨૭૮ ૯૯૦૩૮

 

(2:39 pm IST)