Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જુનાગઢમાં સમાજસેવકોએ પોતાના સંતાનોના લગ્નો સાદાઇથી કરી સમાજને રાહ ચિંધ્યો

સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઇ વઘાસિયા અને કેળવણીકાર જે.કે. ઠેસિયાનું પ્રેરક પગલું : ચિ. હિમાંશુ અને ચિ. ડો. ફોરમના લગ્ન ફકત ૧૦૦ મહેમાનોની હાજરીમાં ગાયત્રી પરિવારના મંત્રોચ્ચાર સાથે લેઉવા પટલ સમાજ ભવનાથ ખાતે યોજાયા : જાહેર જીવનની વ્યકિતઓએ ફકત વાતો નહીં આચરણ પણ કરી બતાવવું જોઇએ- હાજર આગેવાનોનો સૂર

જુનાગઢ, તા. ર૪ :  જાહેર જીવનના મોટાભાગના વ્યકિતઓના આજે બે ચહેરા જોવા મળતા હોય છે. એક લોકો સમક્ષ બતાવવાનો ચહેરો  અને બીજી પોતાના ખાનગી જીવનનો ચહેરો. પરંતુ જૂનાગઢના જાહેર જીવનના બે સમાજ સેવકોએ પોતાના સંતાનોના લગ્ન ખુબ જ સાદગીથી કરાવીને સમાજને નવો રાહ ચિંધ્યો છે. કોરોના લોકડાઉનના નિયમો હળવા થઈ ગયા હોવાછતાં નજીકના  પરિવારના બંને પક્ષના ફકત ૧૦૦ સભ્યોની હાજરીમાં નવદંપત્તિએ અગ્નીની સાક્ષીએ ફેરા લઈને પ્રભૂતામાં પગલા માંડ્યા  હતા.

જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના સ્થાપક માર્ગદર્શક અને સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઈ વઘાસિયાના  પુત્ર ચિ.હિમાંશુના લગ્ન પૂર્વ નાયબ કલેકટર અને ડો.હરિભાઈ ગોધાણી શૈક્ષણિક સંકુલના ચેરમેન-મેને. ટ્રસ્ટી જે.કે.ઠેસિયાની.  પુત્રી ડો.ફોરમ સાથે નક્કી થયા બાદ જાહેર જીવન સાથે સંકળાયેલા આ બંને પરિવારોએ સાદગીથી લગ્નનું આયોજન કરવાનું  નક્કી કર્યું હતું. આર્થિક રીતે સંપન્ન હોવા છતાં સમાજને પ્રેરણા પુરી પાડવા આ પરિવારોએ પોતાના સંતાનોના લગ્ન તાજેતરમાં  જૂનાગઢના ભવનાથ સ્થિત લેઉવા પટેલ સમાજ ખાતે ગાયત્રી પરિવારના મંત્રોચ્ચાર સાથે યોજાયા હતા.   

આ લગ્નમાં સમાજકોષ્ઠી અને શુભચિંતક એવા ઉધોગપતિ બિપીનભાઈ સમાણી, ખોડલધામના ટ્રસ્ટી ડો.જી.કે.ગજેરા, ભેંસાણ પંથકના લેઉવા પટેલ સમાજના યુવા અગ્રણી ભુપતભાઈ ભાયાણી, ડો.હરિભાઈ ગોધાણી શૈક્ષણિક સંકુલના જોઈન્ટ  મેને. ટ્રસ્?ટી મૃણાલીનીબેન ગોધાણી, ટ્રસ્ટી ડો.મહેન્દ્રભાઈ ગોધાણીએ હાજર રહીને નવદંપતિને આશિર્વાદ પાઠવ્યા હતા. આ  પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે, જાહેર જીવનની વ્યકિતઓએ ફકત વાતો જ નહીં, આ બંને સમાજ્સેવકોની માફક આચરણ  પણ કરી બતાવવું જોઈએ. તેને જ સાચો સમાજસેવક કહેવાય.   

આ પ્રેરક લગ્ન અંગે પ્રતિભાવ આપતા જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના પ્રમુખ પ્રિતિબેન બી. વવાસિયાએ  જણાવ્યું છે કે, હરસુખભાઈ વઘાસિયાએ અત્યાર સુધીમાં ૧૯૫૦ દીકરીઓને સમુહલગ્નના માધ્યમથી સાસરે વળાવી છે. જેમાં  દરેક વખતે જ્ઞાતિ સમાજને ખોટા ખર્ચા અને કૂરિવાજોમાંથી બહાર આવવા અપિલ કરી છે. સમાજ સમક્ષ આવી અપિલ કરતા  હોઈએ ત્યારે આપણી ફરજ બને છે કે, તેની શરૂઆત આપણા ઘરથી કરવી જોઈએ. તેઓએ સમાજ સેવાને પોતાના જીવનમાં  ઉતારી બતાવી છે. આ આયોજનમાં વેવાઈ પક્ષ ઠેસિયા પરિવારે આપેલા સહયોગને પણ તેમણે બિરદાવીને ચિ.હિમાંશુ અને  ચિ.ડો.ફોરમે પણ અપનાવેલી સાદગી બદલ ખુશીની લાગણી વ્યકત કરી હતી.   

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દરવષે સેંકડો દીકરીઓનું ઘડતર કરતી સંસ્થાના વડા અને આ લગ્નમાં પુત્રીના પિતા  તરીકે જેન્તીભાઈ ઠેસિયાની દીકરીએ મોરના ઈંડા ચિતરવા ન પડે એ કહેવત સાર્થક કરી બતાવી છે. આ દીકરીએ સાદગી જ  સાચુ આભૂષણ છે, તે વાત સાબિત કરી છે. તેમના પરિવારે પણ આ કાંતિકારી વિચારને અપનાવ્યો તે બદલ અભિનંદનને પાત્ર  છે. આર્થિક સંપન્ન કે ગરીબ હોવાની વાત નથી, પરંતુ આજના સમય અનુસાર દરેક લોકોએ કરકસરની વાત ધ્યાને રાખીને  સમાજના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની જરૂર છે. આ બંને સમાજસેવકોના સંતાનોના લગ્ન ફકત લેઉવા પટેલ સમાજ  જ નહીં, તમામ લોકો માટે પ્રેરક બની રહેશે.

(12:35 pm IST)