Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

પોરબંદરમાં એચ.એમ.પી. સીમેન્ટ ફેકટરીના કામદારોને કવાટર્સ ખાલી કરાવવામાં તંત્રની બેધારી નીતિ : કોંગ્રેસનો રોષ

એચ.એમ.પી. ફેકટરી બંધ થયા પછી બેરોજગાર કામદારોને વળતર ચુકવવાને બદલે ઘર ખાલી કરાવવાની સરકારની નીતિ વ્યાજબી નથીઃ રામદેવભાઇ મોઢવાડીયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.,ર૪: કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ વહીવટીતંત્રની બેધારી નીતિ અંગે આક્રોશ ઠાલવીને રાજય સરકારને રજુઆત કરતા જણાવ્યું છે કે, પોરબંદરમાં વર્ષોથી એચએમપી ફેકટરીના કામદારો કવાર્ટરમાં વસવાટ કરે છે. તેમને અને તેમના પરીવારોને સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ અને એડીશ્નલ મામલતદાર કચેરી દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે કે પોરબંદરની એસએસસી(એચ.એમ.પી.) સીમેન્ટની જમીનમાં આવેલ કવાર્ટરની જમીન જે અત્રેના રેકર્ડમાં સરકાર હસ્તકની છે જેના ઉપર તમારા દ્વારા બિનઅધિકૃત રીતે કબ્જો ધારણ કરવામાં આવ્યો છે. સાત દિવસની અંદર આ કબ્જો ખાલી કરી દેવો અન્યથા લેન્ડગ્રેબીંગ એકટ ર૦ર૦ તળે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પરીવારોને આપવામાં આવી છે જેની સામે કોંગ્રેસે રોષ વ્યકત કરેલ છે.

કોંગ્રેસના રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવ્યું છે કે ફેકટરી બંધ થયા પહેલાથી એટલે કે વર્ષોથી તેઓ અને તેમના પરીવારજનો અહીંયા વસવાટ કરે છે અને તેમને બેરોજગાર બન્યા પછી વળતર ચુકવવાને બદલે હવે ઘર ખાલી કરાવવાની હીલચાલ સરકાર કરી રહી છે તે એટલા માટે ગેરવ્યાજબી છે કે વર્ષ ર૦૦ર, ર૦૦૯ અને ર૦૧રમાં હાઇકોર્ટનો આ જમીન પ્રશ્ને મનાઇ હુકમ અપાયા બાદ કોર્ટના ચીફ જસ્ટીસના ધ્યાને આવતા તેઓએ જાતે સુઓમોટો કરીને વહીવટી તંત્ર અને એચએમપી ફેકટરી દ્વારા વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યુ હોવાનું જણાવીને કાર્યવાહી કરી હતી અને ત્યાર બાદ સુપ્રિમ કોર્ટ સુધી આ મેટર પહોંચી હતી.એચએમપી ફેકટરી ગુજરાત રાજય સરકારની પરવાનગી વગર બંધ કરી દેવામાં આવી હતી. જયાં સુધી કંપની કાયદેસર બંધ થાય નહી ત્યાં સુધી પગાર સહીત તમામ હક્ક હીસ્સા ચુકવવાના થાય છે. પરંતુ કંપનીએ એ હક્ક હીસ્સા પણ ચુકવ્યા નથી. અંદાજે ૧૦૦ કરોડથી વધુ રકમ કંપનીએ ચુકવવાની બાકી છે અને એ મેટર હજુ કોર્ટમાં પેન્ડીંગ છે તેમ છતા અમને બેઘર કરવા માટે થઇને સરકારે આ નિર્ણય લીધો છે તે વ્યાજબી નથી. તેમણે જણાવ્યંુ હતુ કે સરકાર દ્વારા પદાધીકારીઓ સામે કોઇ પણ પગલા લેવાતા નથી. ભાજપ સરકારના ઇશારે આ રીતે કામદારોને હેરાન કરવામાં આવી રહયા છે. પદાધિકારીઓ દ્વારા જમીનમાં દબાણ કરવામાં આવે છે તો તેમની સામે પગલા લેવામાં કેમ તંત્ર ગંભીર બનતુ નથી? તેવો પ્રશ્ન રામદેવભાઇએ કર્યો છે.

તત્કાલીન કલેકટરના હુકમથી વિજ પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો હતો. અને તે રીતે પણ એચએમપી કોલોનીમાં હેરાન કરવામાં આવ્યા હતા. એ બનાવમાં પણ કોર્ટે હસ્તક્ષેપ કરવો પડયો હતો અને વિજપુરવઠો ચાલુ કરાવ્યો હતો તથા તંત્રની એ સમયે પણ આકરી ટીકા થઇ હતી તેમ જણાવીને કોંગ્રેસ આગેવાન રામદેવભાઇએ ઉમેર્યુ હતું કે અધિકારીઓ લોકોને સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાને બદલે આ રીતે હેરાન કરવાની વૃતિ રાખી રહયા છે તે વ્યાજબી નથી.

(12:33 pm IST)