Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

મોરબીમાં 'કિસાનોની જીત, લોકશાહીની જીત' બેનર સાથે કોંગ્રેસની પદયાત્રા વિજય રેલી

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૪: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે ત્યારે કોંગ્રેસ દ્વારા સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન સાથે પદયાત્રા વિજય રેલી યોજવામાં આવી હતી.

કોંગ્રેસના જીલ્લા પ્રભારી કરણદેવસિંહ જાડેજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કે ડી પડસુંબીયા અને શહેર પ્રમુખ રાજુભાઈ કાવર સહિતના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પદયાત્રા વિજય રેલી યોજવામાં આવી હતી જે રેલી કોંગ્રેસ કાર્યાલયથી સરદાર બાગ સુધી યોજવામાં આવી હતી.

જે રેલીમાં કોંગ્રેસ દ્વારા કિસાનોની જીત અને તાનાશાહોની હાર જેવા બેનરો સાથે ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો તેમજ કિસાનોને એમએસપી વધુ આપો, અત્યાચાર બંધ કરો જેવા નારાઓ લગાવવામાં આવ્યા હતા ઉપરાંત કોંગ્રેસ દ્વારા સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન પણ યોજવામાં આવ્યું હતું.

૨૭-૨૮મીએ શારીરિક કસોટી

મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં ખાલી રહેલી સભ્યોની ભરતી કરવા માટે ઉમેદવારી ફોર્મ મુજબના ઉમેદવારોની શારીરિક કસોટી તારીખ ૨૭/૧૧ અને ૨૮/૧૧ ના રોજ મોરબી સીટી એ ડીવીઝન,પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ઠાકર લોજની બાજુમાં,જેલરોડ, મોરબી ખાતે યોજવામાં આવનાર છે. જેથી ઉમેદવારોએ જે પોલીસ સ્ટેશન ખાતેથી ફોર્મ ભરેલ હોય તે પોલીસ સ્ટેશનના નામ સામે જણાવેલ તારીખ અને સમયે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રહેવાનું રહેશે.

તારીખ ૨૭ના રોજ સવારે ૮ કલાકે માળીયા(મી)પોલીસ સ્ટેશન, ૧૧:૩૦ કલાકે ટંકારા પોલીસ સ્ટેશન તેમજ ૪ કલાકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ ઉપરાંત તારીખ ૨૮/૧૧ના રોજ સવારે ૮ કલાકે હળવદ પોલીસ સ્ટેશન તેમજ ૩ કલાકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા જણાવાયું છે.

વૈદિક પરંપરાથી નિદાન કેમ્પ

રોટરી કલબ મોરબી દ્વારા તા. ૨૮ ને રવિવારે સવારે ૯ થી સાંજે ૫ સુધી શ્રી લખધીરજી એન્ડાઉમેન્ટ ટ્રસ્ટ દવાખાનું, શાક માર્કેટ સામે, મોરબી ટાઉન હોલ પાસે સ્વાસ્થ્ય મંગલ વૈદિક પરંપરાથી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે

જે કેમ્પમાં વર્ષોના અનુભવી અને આયુર્વેદના સમન્વયથી શરીરના જટિલ રોગોનું નાડી પરીક્ષણ દ્વારા યોગ્ય નિદાન, માર્ગદર્શન અને ઈલાજ ગીર (સાસણ) ના પ્રખર વૈદ્ય જીજ્ઞેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે જે કેમ્પમાં અગાઉ નામ નોંધાવવાનું રહેશે નામ નોંધાવવા માટે ભરતભાઈ કાનાબાર મો ૮૮૪૯૦ ૩૧૦૦૮, સિદ્ઘાર્થભાઈ જોશી મો ૯૨૨૮૮ ૯૭૩૭૨ અને હરીશભાઈ શેઠ મો ૯૩૭૬૧ ૬૧૪૦૬ પર સંપર્ક કરવા સંસ્થા પ્રેસિડેન્ટ બંસીબેન શેઠ અને સેક્રેટરી રશીદાબેન લાકડાવાલાની યાદીમાં જણાવ્યું છે.

કેન્સર નિદાન કેમ્પ યોજાશે

શ્રી વિસાશ્રીમાળી વણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી-૩ નવાડેલા રોડ મોરબીમાં તા. ૦૪-૧૨ ને શનિવારે સાંજે ૪ થી ૭ કલાકે અને તા. ૦૫-૧૨ ને રવિવારે સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન કેન્સર નિદાન કેમ્પ યોજાશે

જે કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત સર્જન ડો. વિક્રમભાઈ સંદ્યવી દર્દીઓને તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે નિશુલ્ક કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેડીકલ ઓફિસર ડો. હિરેન ચૌહાણ પાસે અગાઉ નોંધાવી જવા જણાવ્યું છે.

(10:38 am IST)