Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાથી એક જ દિ'માં ચારના મોત : ૧૪ પોઝિટિવ

રતનપર, નાના કેરાળાની મહિલા, દેવચરાડી તથા સુરેન્દ્રનગરના વૃધ્ધોના મોત : આરોગ્ય તંત્રમાં દોડધામ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૪ : સમગ્ર રાજયમાં દિવાળીના તહેવારો બાદ ફરી કોરોના વાયરસનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે તમામ પ્રકારના પ્રયત્નો હાથધરવામાં આવી રહ્યાં છે પરંતુ બીજી બાજુ પ્રજાજનોમાં પણ કયાંકને કયાંક કોરોના વાયરસ પ્રત્યે ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દિવાળીના તહેવારો બાદ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થયો છે ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ૧૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.

સમગ્ર દેશ સાથે રાજય અને જિલ્લામાં છેલ્લા ૯ મહિનાથી લોકડાઉન બાદ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે છેલ્લા એક મહિનામાં સમગ્ર રાજય સાથે જિલ્લામાં કોરોનાની સ્થિતિ પર મહદઅંશે નિયંત્રણ જોવા મળ્યું હતું અને તંત્ર સહિત લોકોએ પણ રાહત અનુભવી હતી. દિવાળીના તહેવાર બાદ જિલ્લામાં ફરી કોરોનાએ માથું ઉચકયું છે અને બીજી બાજુ જિલ્લામાં કોરોનાથી મોતની સંખ્યા પણ સતત વધી જતાં સ્થાનિક તંત્ર સહિત લોકોમાં ચીંતાની લાગણી ફેલાઈ જવા પામી છે. ત્યારે જિલ્લામાં વધુ ૧૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક વધીને ૨૯૮૯ થયો હતો.

આ તમામ દર્દીઓને હોમઆઈશોલેશન તેમજ શહેરની સી.યુ.શાહ મેડીકલ એન્ડ કોલેજ હોસ્પીટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જયારે એક જ દિવસમાં જિલ્લામાં ચાર વ્યકિતઓના કોરોનાથી મોત પણ નીપજયાં હતાં. જેમાં (૧) ૭૨ વર્ષ મહિલા, મુ.રતનપર (૨) ૫૦ વર્ષ મહિલા મુ.નાના કેરાળા તા.વઢવાણ (૩) ૯૦ વર્ષ પુરૂષ મુ.દેવચરાડી તા.ધ્રાંગધ્રા (૪) ૭૫ વર્ષ પુરૂષ સુરેન્દ્રનગરવાળાનો સમાવેશ થાય છે. આ તમામ દર્દીઓની કોરોનાની ગાઈડલાઈન મુજબ શહેરના મુખ્ય સ્મશાન ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી.

(11:58 am IST)