Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

થાનમાં સરાજાહેર ચાલતી કબલમાં પોલીસ પહોંચી છતાં જુગારીયાઓ બિન્દાસ્ત રમતા'તા !

સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી રેન્જ ડીઆઇજીની સુચનાથી રાજકોટ એલસીબીનો દરોડો : પોલીસની રેઇડ પડયાનું જાણી અમુક જુગારીયાઓ ભાગી ગયાઃ ૧૧ શખ્સોને ૧.૮૦ લાખની રોકડ સાથે દબોચી લેવાયા : સ્થાનિક પોલીસ સામે તોળાતા પગલા : અગાઉ થાનમાં પોલીસ ઉપર હુમલા થયા હોય ખાસ તકેદારી રાખી રાજકોટ રૂરલ એલસીબીના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા ટીમે સફળ રેઇડ કરી : પોલીસ ડ્રેસમાં હોત તો હુમલો થવાની ભીતી હતી : પકડાયેલ શખ્સોને ચોટીલા પોલીસના હવાલે કરાયા

રાજકોટ, તા.ર૪ : સુરેન્દ્રનગરના થાનગઢમાં સરાજાહેર ચાલતી જુગારની કલબઉપર રેન્જ ડી.આઇ.જી.પી. સંદીપસિંહની સુચનાથી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી જુગાર રમતા ૧૧ શખ્સોને ૧.૮૦ લાખની રોકડ રકમ સાથે ઝડપી લીધા બાદ સ્થાનિક પોલીસ સામે પગલા તોળાઇ રહ્યા છે. નવાઇની વાત એ છે કે, પોલીસ કલબમાં પહોંચી છતાં જુગારીયાઓ બિન્દાસ્ત રમતા હતાં અને બાદમાં રેઇડ પડયાની જાણ થતાં નાસભાગ મચી ગઇ હતી.

થાનગઢ ગામે રેલ્વે સ્ટેશન પાસે તળાવ નજીક રૂપાલી જીમાખાનાની દિવાલની આડસમાં જાહેરમાં જુગારની કલબ ચાલતી હોવાની બાતમી મળતા રેન્જ ડી.આઇ.જી.પી. સંદીપસિંહે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા પી.એસ.આઇ. એચ.એમ. રાણાની ટીમને દરોડો પાડવાની સુચના આપતા રૂરલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ખાનગી વાહનોમાં ખાનગી ડ્રેસમાં અલગ અલગ ટીમો બનાવી ઉકત સ્થળે રેઇડ કરી હતી. જોકે, પોલીસ પહોંચી છતાં જુગારીયાઓ બિન્દાસ્ત જુગાર રમતા હતા. બાદમાં પોલીસની રેઇડ પડયાની જાણ થતાં નાસભાગ મચી ગઇ હતી અને ૧૧ શખ્સોને ૧.૮૦ લાખની રોકડ તથા ૧૧ મોબાઇલ મળી કુલ ર લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં નિલેશ ધનજીભાઇ મહેતા રે. દરબારગઢ શેરી થાનગઢ, બુધા લાલજીભાઇ બોરસાણીયા રે. નડાળા તા. સાયલા, સુખરામ પ્રભુભાઇ જીંજુવાડીયા  રે. ઇન્દીરાનગર મોરબી, સંજય રસીકભાઇ વનાણી રે. કોળી સોસાયટી થાન, શકેશ વિનોદભાઇ ઇધારીયા રે. સાંઇ દર્શન સોસાયટી ધ્રાંગધ્રા, કલ્પેશ બાબુભાઇ ચીખલીયા રે. ચિત્રકુટ છાત્રાલય રોડ મોરબી, વિજય રતીલાલ વરીવડીયા રે. જોગ આશ્રમ પાછળ થાન, શાહીદ વારીસઅલી અંસારી રે. અમદાવાદ, વિનોદ ઉર્ફે શૈલેષ કાનજીભાઇ ચૌહાણ રે. મેળાના મેદાન પાછળ થાન, મહમદ હનીફ રજબભાઇ દૂધવાળા રે. વડોદરા તથા એક સગીરનો સમાવેશ થાય છે.

થાનગઢમાં અગાઉ પોલીસ ઉપર હુમલાના બનાવ બન્યા હોય ખાસ તકેદારી રાખી જુગારની રેઇડ કરાઇ હતી. જો પોલીસ ડ્રેસમાં રેઇડ કરે તો હુમલો થવાની ભીતી હોય ખાનગી વાહનોમાં પોલીસ સાદા ડ્રેસમાં ધસી જઇ રેઇડ કરી હતી. પોલીસે રેઇડ કરી છતાં જુગારીયાઓ બેખોફ પત્તા ટીચતા હતા. થાનગઢમાં સ્થાનિક પોલીસની મીઠી નજર તળે ઘણા સમયથી જુગારની કલબ ધમધમતી હોવાની ફરીયાદ બાદ આ સફળ રેઇડ કરાઇ હતી.

જુગાર રમતા પકડાયેલ તમામ શખ્સોને રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે ચોટીલા પોલીસને હવાલે કર્યા હતા.

થાનમાં સરાજાહેર ચાલતી જુગારની કલબ ઉપર રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચે રેઇડ કરતા સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે. આગામી દિવસોમાં સ્થાનિક અને મહત્વની બ્રાંચના સ્ટાફ ઉપર પગલા તોળાઇ રહ્યાની પોલીસ બેડામાં ચર્ચા થઇ રહી છે.

(11:40 am IST)