Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

શ્રી સોમનાથ મહાદેવને ધ્‍વજારોહણ સાથે કોંગ્રેસનો ચૂંટણીનો શંખનાદ

સૌરાષ્‍ટ્ર ઝોનની બેઠકમાં ૫૦૦ આગેવાનોની ઉપસ્‍થિતિ : ચૂંટણીલક્ષી રણનીતિની ચર્ચા : સૌરાષ્‍ટ્રની ૫૪ વિધાનસભા બેઠકો જીતવા મંથન

(દિપક કક્કડ - દેવાભાઇ રાઠોડ દ્વારા) વેરાવળ - પ્રભાસપાટણ તા. ૨૪ : આજે કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની બેઠક સોમનાથ બાય પાસ ખાતે યોજાઇ છે. જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે સવાર ના બાઇક રેલી કાઢવામાં આવશે જે સવાર ના નવ કલાક થી વેરાવળ શહેર ના મુખ્‍ય માર્ગો ઉપર તેમજ આ રેલી સોમનાથ મંદિર આવશે જયાં સોમનાથ મહાદેવને ધ્‍વજારોહણ કરવામાં આવશે બાઈક રેલી બાદ બપોરના બાય પાસ ઉપર આવેલ હોટલમા સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળશે અને ચૂંટણી લક્ષી મહત્‍વની ચર્ચા કરવામાં આવશે જેમાં સંગઠન બાબતે જેમ તાલુકા કક્ષાએથી બુથ સુધી સંગઠન મજબૂત કરવુ તેમજ મતદારોને મતદાન બુથ સુધી પહોંચાડવા સહિત અનેક રણનિતી નક્કી કરવામાં આવશે.
આ બેઠક મા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર,વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ ચર્મા, સૌરાષ્ટ્ર ઝોન ના ઈનચાર્જ રામકિશન ઓઝા સહિત અનેક આગેવાનો હોદેદારો અને ગુજરાત દિલ્‍હી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ૫૦૦થી વધુ આગેવાનો હાજરી આપશે અને ચુંટણી લક્ષી રણનીતિ તૈયાર કરવામા આવશે.
કોંગ્રેસ પ્રભારી ડો. રઘુ શર્માએ યોજેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસ છોડી જઇ રહેલા કોંગી ધારાસભ્‍યોના સવાલના જવાબમાં કહેલ કે, અમને ખબર છે કે, કોણ કોણ કોંગ્રેસ છોડી રહ્યું છે... જે જીતી શકે તેમ નથી તેવા લોકો પક્ષ છોડી રહ્યા છે. ત્‍યારે આવા કચરાને લઇ ભાજપ કરશે શું ? તેવું સુચક નિવેદન કરેલ હતું.
આજે સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં હોટલમાં કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા, વિપક્ષી નેતા જગદીશ ઠાકોર, પ્રદેશ અને સ્‍થાનીક સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્‍યો સૌરાષ્‍ટ્ર ઝોનની ૫૪ વિધાનસભા બેઠકો કઇ રીતે જીતી શકાય તે માટે મંથન કરવાના છે. આ મંથન કરતા પૂર્વે સવારે તમામ કોંગીજનો સોમનાથ મહાદેવ મંદિરે બાઇક - કાર રેલી મારફતે જઇ પૂજા અર્ચના કરી હતી. બાદમાં હોટલમાં આવી પક્ષના બેઠક દીઠ પ્રભારીઓ અને આગેવાનો આગામી ચૂંટણીમાં કઇ રીતે બેઠકો જીતી શકાય તેના માટે મંથન કરી રણનીતિ ઘડશે.
આ ઉપરાંત જેને આર્થિક લાભ લેવો છે અને જે ભાજપની લાલચમાં ફસાવા માંગે છે તે કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસના સમર્પિત અને જમીની કાર્યકર્તાઓ આજે પણ પક્ષ સાથે છે.
ગુજરાતમાં ભાજપની જમીન ખસી ગઇ છે અને પ્રતિષ્‍ઠા પુરી થઇ ગઇ છે. હાલ ગુજરાતમાં ભાજપ માત્ર ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ કરી ખરીદ ફોરક કરી કોંગ્રેસનું મનબોળ નબળું પાડવાની રણનીતિના ભાગરૂપે આવું કરી રહી છે.
વધુમાં ડો. રઘુ શર્માએ જણાવ્‍યું હતું કે, આ વખતની ગુજરાતની ચૂંટણી કોંગ્રેસ માઇક્રો લેવલ સુધીની તૈયારી કરી રણનીતિ સાથે લડશે. તેના ભાગરૂપે રાજ્‍યમાં મધ્‍ય, ઉત્તર અને દક્ષિણ ઝોનની બેઠકો કરી રણનીતિ ઘડી છે. તેવી જ રીતે આવતીકાલે સૌરાષ્‍ટ્ર ઝોનની ૫૪ બેઠકો જીતવા મંથન કરી રણનીતિ ઘડી છે. આ વખતે ગુજરાતમાં ૧૨૫ સીટ જીતવાના લક્ષ્યાંક સાથે કોંગ્રેસની સરકાર બનાવવાનો સંકલ્‍પ કર્યો છે. તેના માટે જ રણનીતિ ઘડી છે.

 

(12:08 pm IST)