Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મોરબીમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ ઉતારવા ઝુંબેશરૂપ કામગીરી શરૂ.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પાલિકાની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લાગ્યા બાદ તંત્ર જાગ્યું: આઉટડોર પબ્લિસિટીનો મફતનો ખેલ ખતમ કરતી મોરબી નગરપાલિકા

 મોરબીમાં છેલ્લા પાંચ વર્ષથી મફતની મજા કરી રહેલ આઉટડોર એડવર્ટાઇઝિંગ એજન્સીઓને અંતે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા આકરો ડોઝ આપવાનું શરૂ કરી ઠેર-ઠેર ખડકાયેલા હોર્ડિંગ્સ ઉતારવાનું શરૂ કરતા અનધિકૃત હોર્ડિંગ્સ ઉભા કરનાર ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે.
મોરબી શહેરની હદમાં નગરપાલિકાની મંજૂરી વગર જ આઉટડોર એડવર્ટાઇઝિંગ એજન્સીઓ દ્વારા નગરપાલિકાને એક પણ પૈસો ચૂકવ્યા વગર ઠેર – ઠેર હોર્ડિંગ્સ ખડકી દેવા મામલે અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ પાલિકા તંત્ર દ્વારા આવા ગેરકાયદેસર હોર્ડિંગ્સ ઉતારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં પાલિકાએ હોર્ડિંગ્સના ટેન્ડર આપ્યા હતા બાદમાં કોઈ ટેન્ડર પ્રક્રિયા જ ન થતા ધંધાર્થીઓ દ્વારા શહેરમાં મન પડે ત્યાં કોઈપણ જાતની મંજૂરી લીધા વગર, ફી ચૂકવ્યા વગર 500 જેટલા હોર્ડિંગ્સ ખડકી દેતા પાલિકાને પાંચ વર્ષમાં કરોડો રૂપિયાની ખોટ સહન કરવી પડી છે. આ સંજોગોમાં નવા ચીફ ઓફિસર દ્વારા હવે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવનાર હોવાનું જાહેર કર્યું છે.

(9:54 pm IST)