Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 31 મેના રોજ વડાપ્રધાન કેન્દ્ર સરકારની 13 ફ્લેગશિપ યોજનાઓના લાભાર્થીઓ સાથે ઈ સંવાદ કરશે

કલ્યાણકારી યોજનાઓના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર એમ. એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક મળી

દેવભૂમિ દ્વારકા: આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેન્દ્ર સરકારની સામાન્ય નાગરિકોને સ્પર્શતી વિવિધ 13 ફ્લેગશિપ યોજનાઓના લાભાર્થીઓ સાથે તા.31 મે,2022ના રોજ સવારે 10:15 કલાકે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં હિમાચલ પ્રદેશના સિમલા ખાતેથી ઈ સંવાદ કરવામાં આવશે. જેનું લાઈવ પ્રસારણ તમામ જિલ્લાઓમાં કરવામાં આવશે. અને લાભાર્થીઓને પણ આ કાર્યક્રમમાં જોડવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર એમ. એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક મળી હતી.

કેન્દ્ર સરકારની અતિ મહત્વની 13 યોજનાઓ PM આવાસ યોજના ( ગ્રામીણ - શહેરી ), PM કિસાન સમ્માન નિધિ, PM ઉજ્જવલા યોજના, પોષણ અભિયાન, PM માતૃવંદના યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ - શહેરી), જલજીવન મિશન - અમૃત, PM SAVNidhi યોજના, વન નેશન, વન રાશન કાર્ડ, PM ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્માન ભારત, PM જન આરોગ્ય યોજના, આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને PM મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે તા.31 મે,2022ના રોજ સવારે 10 :15 કલાકે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં હિમાચલપ્રદેશના સિમલા ખાતેથી ઈ સંવાદ કરવામાં આવશે. 

યોજનાના લાભાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ઈ સંવાદ કાર્યક્રમમાં જોડવા જિલ્લા કલેકટરશ્રીએ વિવિધ વિભાગના અધિકારીઓને અનુરોધ કર્યો હતો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કાર્યક્રમ જામખંભાળિયા નગરપાલિકા ટાઉનહોલ ખાતે યોજાશે તેમ જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક ભાવેશ ખેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીવાસ્તવ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(8:36 pm IST)