Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ભુજની સરકારી શાળાનું ગૌરવ : ધો. ૧૨ સાયન્સની તેજસ્વી વિદ્યાર્થિની મિત્તલ બુચિયાની INSPIRE સ્કીમ અંતર્ગત પસંદગી

ભુજ :રાજ્ય સરકાર છેવાડાના વિદ્યાર્થીઓ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે અને પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે સતત પ્રયત્નશીલ છે. સરકારી શાળાઓની અત્યાધુનિક માળખાકીય સુવિધાઓનો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. આનું ઉત્તમ ઉદાહરણ ભુજની સરકારી શાળાના વિદ્યાર્થિની બુચિયા મિત્તલબેન અરવિંદભાઈએ પૂરું પાડ્યું છે. ભુજમાં આવેલી સરકારી શાળા ઈન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરીને મિત્તલબેને ધો.૧૨ સાયન્સમાં સ્વપ્રયત્ને ૮૪.૬૧ ટકા (૯૮.૩૩ PR ) મેળવ્યા છે. આ ઉપરાંત, તેમને ગુજકેટમાં પણ ૧૨૦ ગુણમાંથી ૧૦૫.૫ ગુણ પ્રાપ્ત કર્યા છે. મિત્તલે સાયન્સના પરિણામમાં એ-૨ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.

  મિત્તલબેન આ ટકાવારીના આધારે રાજ્ય સરકારની INSPIRE સ્કીમ અંતર્ગત પસંદગી પામ્યા છે. સાયન્સના અભ્યાસક્રમ પછી તેઓને ઉચ્ચશિક્ષણ માટે આ યોજના અન્વયે પ્રતિ વર્ષ રૂ. 80,000ની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજનાની મદદથી મિત્તલબેન પોતાની આગામી કારકિર્દી ઘડી શકશે. સરકાર દ્વારા યોજના અંતર્ગત ખાસ કરીને ધો.12 સાયન્સના તેજસ્વી વિદ્યાર્થીઓને બેચલર ઓફ સાયન્સના અભ્યાસક્રમ જેવા કે ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બોટની, ઝુલોજીમાં એડમિશન લેવા માટે ફીના ભાગરૂપે પ્રતિવર્ષ રૂ. ૮૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત જો વિદ્યાર્થી સળંગ પાંચ વર્ષના માસ્ટર ઓફ સાયન્સના ઉપરોક્ત વિષયના કોર્સની પસંદગી કરે તો પાંચ વર્ષ સુધી રૂ. ૮૦,૦૦૦ પ્રતિ વર્ષ સહાય ચૂકવવામાં આવે છે.

જિલ્લા શિક્ષણધિકારી ડૉ. બી.એન.પ્રજાપતિએ અનુરોધ કરતાં કહ્યું કે, કચ્છની સરકારી તેમજ ગ્રાન્ટ ઈન એડ શાળાઓમાં જિલ્લાના વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહમાં એડમિશન લઈને આ વર્ષથી શરૂ થનારા JEE/NEETના કોચિંગ કલાસનો લાભ લઈને વિજ્ઞાનક્ષેત્રે કારકિર્દી બનાવે. આમ, રાજ્ય સરકાર છેવાડાના તેજસ્વી વિદ્યાર્થીઓની દરકાર કરી રહી છે અને તેઓ ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણમાં આગળ વધીને પોતાની કારકિર્દી ઘડે તે માટે કટિબદ્ધ છે.

(8:34 pm IST)