Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

હાપા વિસ્તારમાં બાળ લગ્ન થતા અટકાવતી મહિલા હેલ્પલાઈન

જામનગર, તા. ૨૪: જામનગર નજીક હાપા લાલવાડી વિસ્તારમાં એક પરિવાર દ્વારા બાળ લગ્ન કરાવાઇ રહ્યા હતા.જે દરમિયાન મહિલા હેલ્પલાઇનની ટીમ પહોંચી ગઈ હતી, અને જામનગરની સમાજ સુરક્ષા કચેરીની ટીમને પણ સ્થળ પર બોલાવી લીધા પછી બન્ને પરિવારોને સમજ આપીને બાળ લગ્ન અટકાવ્યા હતા, જ્યારે માત્ર ૧૪ વર્ષની સગીરાને વિકાસ ગૃહમાં મોકલી આપી હતી. ૧૨ દિવસ પહેલાં પણ જામજોધપુર પંથકમાં બાળ સુરક્ષા વિભાગની ટીમ દ્વારા ૧૬ વર્ષની એક તરૃણીના બાળ લગ્ન અટકાવાયા હતા, અને બંને પરિવારોને સમજ આપીને બાળ લગ્ન અટકાવી સમાજમા બાળલગ્ન અંગે જાગૃતિ માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

જામનગર પંથકમાં સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જામનગરના હાપા નજીક લાલવાડી વિસ્તારમાં આજે બપોરે એક ૧૪ વર્ષની સગીરાના તેમજ ૨૨ વર્ષના યુવકના બાળ લગ્ન થતા અટકાવ્યા હતા, અને કન્યાના પરિવારજનોને કન્યા પુખ્ત વયની થયા બાદ જ તેણીના લગ્ન કરાવવા માટે સમજણ આપી હતી.

સૌપ્રથમ ૧૮૧ અભયમ ટીમને બાળ લગ્નની જાણકારી મળી હતી, અને ઘટના સ્થળે પહોંચી જઈ અને વાલીનો સંપર્ક કર્યો હતો.

ત્યારબાદ અભિયમ્ની ટિમ દ્વારા તુંરજ ૧૦૯૮ ચાઈલ્ડ લાઇનની ટીમને જાણ કરીને થઈ રહેલા બાળ લગ્નની માહિતી આપી હતી.

જેથી સમાજ સુરક્ષા વિભાગની ટીમના સમાજ સુરક્ષા અધિકારી ડો.પ્રાર્થનાબેન શેરશીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જ્યોત્સનાબેન હરણ, તેમજ સમાજ સુરક્ષા કચેરીના શ્રી એમ. આર. પટેલ વગેરે સ્થળ પર દોડી ગયા હતા, અને ૨૨ વર્ષના યુવક તેમજ ૧૪ વર્ષની સગીરાના લગ્ન અટકાવ્યા હતા, અને તેઓને સગીરા પુખ્ત વયની થાય ત્યારે જ લગ્ન કરવા માટેની સમજ આપી હતી.

એટલું જ માત્ર નહીં, બંને પરિવારો સાથે મંત્રણા કરીને સમજ આપ્યા પછી હાલ કન્યા કે જે સગીર વયની હતી, તેને વિકાસ ગૃહમાં મોકલી આપી છે, અને જ્યારે પુખ્ત વયની થશે ત્યારે જ તેણીના લગ્ન કરવા માટેની પરિવારજનોએ પણ સહમતી દર્શાવી હતી. જેથી સમાજ સુરક્ષા કામગીરીને લઇને બાળ લગ્ન અટકાવ્યા હતા.

આ અગાઉ તા. ૧૧.૫.૨૦૨૨ ના દિવસે જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં ૧૬ વર્ષની કન્યાના બાળ લગ્ન થઈ રહ્યા હોવાની ૧૮૧ અભયમ્ ટીમને જાણકારી મળતા અભ્યમ્ ટીમ સ્થળ પર પહોંચી હતી, ત્યાર પછી જામનગરની સમાજ સુરક્ષા વિભાગની કચેરીને જાણ કરાતાં સમાજ સુરક્ષા વિભાગની ટીમ પાટણ ગામે પહોંચી ગઈ હતી, અને ૧૬ વર્ષની સગીરાના થનારા બાળ લગ્ન અટકાવ્યા હતા, અને બન્ને પરિવાર ને કાયદાકીય જાણકારી આપીને સગીરા જ્યારે પુખ્ત વયની થાય ત્યારેજ તેણીના લગ્ન કરાવવા માટે પરિવારજનો ને સમજ આપી હતી, અને તેઓ પાસેથી બાંહેધરી મેળવી લીધી હતી.

બંને ઘટના સ્થળે ૧૮ વર્ષથી નીચેની સગીરાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા તેમના પરિવારને સમજાવવામાં આવ્યા હતા અને બાદમાં સગીરાના માતાપિતા માની ગયા હતા. તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું.

(2:05 pm IST)