Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા ૨૪: વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ તમામ રાજકીય પક્ષો એક્‍શન મોડમાં આવી ગયા છે. ત્‍યારે આમ આદમી પાર્ટીએ પણ મતદારોની વચ્‍ચે જવા માટે ૧૮૨ વિધાનસભા મત વિસ્‍તારોમાં પરિવર્તન યાત્રા શરૂ કરી છે. જે અંતર્ગત આજે તારીખ ૨૪ મે, ૨૬ મે અને ૨૭ મે ત્રણ દિવસ સુધી મોરબી-માળીયા વિસ્‍તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા યોજાશે. જેમાં સ્‍વાગત કાર્યક્રમ, રેલી, જનસંવાદ, ધાર્મિક સ્‍થળોની મુલાકાત સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.

તારીખ ૨૪ મેના રોજ આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા અંતર્ગત મોરબીના વાવડી રોડ પરના સરદાર ચેમ્‍બર ખાતે રાત્રે ૮ થી ૧૦ કલાકે ઈસુદાન ગઢવીની જનસંવાદ સભા યોજાશે. ત્‍યારબાદ ૨૬ મેના રોજ સવારે ૯ વાગ્‍યે સર્કિટ હાઉસ ખાતે પરિવર્તન યાત્રાનું સ્‍વાગત થશે. ત્‍યાંથી બાઈક અને કાર સાથે રેલી સ્‍વરૂપે મયુર પુલ થઈને નહેરુ ગેટ, ગાંધી ચોક, રવાપર રોડ, નરસંગ ટેકરી, રવાપર ચોકડી, અવની ચોકડી, શનાળા રોડ, નવું બસસ્‍ટેશન, રામ ચોક, જુનુ બસસ્‍ટેશન, પંચાસર રોડ થઈ વાવડી ગામે બપોરે ૧ વાગ્‍યે રેલી પૂર્ણ થશે. ત્‍યારબાદ સાંજે ૪ વાગ્‍યાથી ૮ વાગ્‍યા સુધી આસપાસના ધાર્મિક સ્‍થળોની મુલાકાત કરવામાં આવશે અને રાત્રે ૮ વાગ્‍યાથી ૧૦ વાગ્‍યા સુધી વાવડી ગામે ગામનો ચોરો જનસંવાદ કાર્યક્રમ યોજાશે.

પરિવર્તન યાત્રાના ત્રીજા દિવસે એટલે કે ૨૭ મેના રોજ સવારે ૯ વાગ્‍યે પરિવર્તન યાત્રા માળિયા મીયાણા જવા રવાના થશે. જ્‍યાં સવારે ૧૦ વાગ્‍યાથી ૧૨ વાગ્‍યા સુધી પરિવર્તન યાત્રા માળિયા મીયાણા શહેરના મુખ્‍ય માર્ગો પર ફરશે ત્‍યારબાદ જસાપર ગામે વિરામ કરવામાં આવશે અને ત્‍યાં સાંજે ૪ વાગ્‍યાથી ૭ વાગ્‍યા સુધી જસાપરના ગામ લોકો સાથે મિટીંગ યોજાશે અને ગામના ધાર્મિક સ્‍થળોની મુલાકાત લેવામાં આવશે. ત્‍યારબાદ રાત્રે ૮ વાગ્‍યે મોરબીની નરસંગ ટેકરી, રવાપર રોડ ખાતે સભા યોજાશે અને ત્‍યાંથી રાત્રે ૧૦ વાગ્‍યે પરિવર્તન યાત્રા ધ્રાંગધ્રા તરફ જવા રવાના થશે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાન તરીકે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, રાજુભાઈ કરપડા (આપ ગુજરાત પ્રદેશ કિશાન સેલ પ્રમુખ), કૈલાશદાન ગઢવી (આપ ગુજરાત પ્રદેશ ખજાનચી ), સહીતના નેતાઓ ઉપસ્‍થિત રહેશે.

(11:39 am IST)