Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

નરેન્‍દ્રભાઇને આવકારવા આટકોટમાં ભારે થનગનાટ

શ્રી પટેલ સેવા સમાજ આટકોટ દ્વારા સંચાલિત અને ડો. ભરત બોઘરા દ્વારા નિર્મિત ‘કે. ડી. પી.' અત્‍યાધુનિક હોસ્‍પિટલનું લોકાર્પણ

ઉપરની પ્રથમ તસ્‍વીર આટકોટની અતિ આધુનિક હોસ્‍પિટલની છે. બાજુની તસ્‍વીરમાં વડાપ્રધાનની સભા માટે બની રહેલા વિશાળ ડોમની છે. નીચેની તસ્‍વીરમાં હોસ્‍પિટલના મુખ્‍ય દાતા હરેશભાઇ પરવાડીયા તેમના પુત્ર દર્શન, ડો. ભરત બોઘરાના પિતા ખોડાભાઇ, અરજણભાઇ રામાણી સહિતના અગ્રણીઓ વચ્‍ચેની તસ્‍વીરમાં હેલીપેડ બનાવવાની કામગીરી અને છેલ્લી તસ્‍વીરમાં જિલ્લા પોલીસ વડાને જાતમાહીતી આપતા ડો. ભરત બોઘરા અને પરેશભાઇ ગજેરાની છે. (તસ્‍વીર : વિજય ચૌહાણ, જસદણ)
(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ર૪ :.. આટકોટમાં નવી આકાર લઇ રહેલ કે. ડી. પરવાડીયા હોસ્‍પિટલનું લોકાર્પણ આગામી તા. ર૮ ના રોજ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે થવાનું છે ત્‍યારે આટકોટ તેમજ આ પંથકના લોકો નરેન્‍દ્રભાઇને આવકારવા થનગની રહ્યા છે. જયારે બે લાખ લોકોની જનમેદનીને કોઇ જ મુશ્‍કેલી ન પડે તે માટે આયોજકો દ્વારા સુંદર અને તડામાર તૈયારીનો ધમધમાટ થઇ રહ્યો છે.
પ૦ કરોડ  રૂપિયાને ખર્ચે નહી નફો નહીં નુકશાનનાં ધોરણે જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો. ભરત બોઘરાના અથાક પ્રયત્‍નોથી શ્રી પટેલ સેવા સમાજ આટકોટ દ્વારા સંચાલિત શ્રી કે. ડી. પરવાડીયા મલ્‍ટિ સ્‍પેશ્‍યલ હોસ્‍પિટલ આગામી ર૮ તારીખે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ખુલ્લી મુકાશે.
વડાપ્રધાનને આવકારવા આટકોટ સહિત જસદણ-વિંછીયા તાલુકાના અને આજુબાજુના જીલ્લાના ગામડાઓમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમનું ગામે-ગામ આમંત્રણ દેવા જતા ડો. ભરત બોઘરાનું ગામે-ગામ ઢોલ-નગારા સાથે સ્‍વાગત કરવામાં આવી રહ્યું છે.
અંદાજે બે લાખ લોકોની જનમેદની એકઠી થશે તેવું ડો. ભરત બોઘરાએ જણાવ્‍યું છે ત્‍યારે આટલી મોટી જનમેદનીને કંઇ જ મુશ્‍કેલી ન પડે તે માટે વચ્‍ચે જર્મન ડોમ તેમજ બંને તરફ બીજા બે ડોમ બનાવવામાં આવ્‍યા છે.
આ ડોમમાં ગરમીના દિવસોમાં કોઇને મુશ્‍કેલી ન પડે તે માટે પાણીના ફુવારા સાથે લાઇટ પંખાની આયોજકો દ્વારા સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
બહારથી આવતા લોકો વાહન પાર્કિગ માટે કુલ ૧૬ પાર્કિગ બનવવામાં આવ્‍યા છે. જેમાંથી શરૂઆતમાં ૧૨ પાર્કિગમાં વાહનો રાખવામાં આવશે જ્‍યારે ૪ મોટા રીઝર્વ રખાશે.
નરેન્‍દ્રભાઇ માટે હોસ્‍પિટલથી દોઢ કિ.મી. દૂર જસદણ રોડ ઉપર ત્રણ નવા હેલીપેડ બનાવવામાં આવ્‍યા છે. તેમજ જસદણ-વિંછીયા રોડ ઉપર એક હેલીપેડ બનાવેલું જ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે.
આ માટે છેલ્લા પંદર દિવસથી તડામાર તૈયારીઓ ચાલુ છે જે હવે પૂર્ણ થવામાં છે.
આયોજકો દ્વારા આ માટે જુદી જુદી કમીટીઓ બનાવી રોજે રોજ કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે.
હાલ હોસ્‍પિટલમાં ૧૭૫ જેટલા સ્‍ટાફની નિમણુંક કરી દેવામાં આવી છે. જેમાં ડોકટરો, નર્સીંગ સ્‍ટાફ સહિતના કામે લાગી ગયા છે.
વડાપ્રધાનના આગમનના કાર્યક્રમમાં કોઇ ચુક ન રહી જાય તે માટે જીલ્લા કલેકટર અરૂણ મહેશબાબુ, રેન્‍જ આઇ.જી. સંદિપસિંહ, જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડી.વાય.એસ.પી. પ્રતિપાલસિંહ ઝાલા, એલ.સી.બી. પી.આઇ. વિજયભાઇ ઓડેદરા, એલ.આઇ.બી.પી.આઇ. કે.બી.જાડેજા, આટકોટના પી.એસ.આઇ. મેતા સહિત પોલીસ કાફલો બંદોબસ્‍ત માટે વ્‍યવસ્‍થામાં લાગી ગયો છે.
મુખ્‍ય મંચની પાછળ વિશાળ રસોડું બનાવવામાં આવ્‍યુ છે ત્‍યાં તમામ માટે ભોજનની વ્‍યવસ્‍થા રાખી છે. ત્‍યાં પણ ઇડરના રસોયાની ટીમો કામે લાગી ગઇ છે.

 

(11:02 am IST)