Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

પોલીસ પ્રજાનો મિત્ર છે" સૂત્ર સાર્થક : જૂનાગઢમાં એકના એક પુત્રના ત્રાસના કારણે વ્યથિત વૃદ્ધાને મુક્ત કરાવ્યા

કુટુંબી જેવી સહિષ્ણુતાભરી કાર્યવાહીથી ભાવવિભોર થઈને વૃધ્ધાએ જૂનાગઢ પોલીસનો આભાર માન્યો

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.

 જૂનાગઢ શહેરના કડીયાવાડ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝન 70 વર્ષના વૃદ્ધ વિધવા માજી કે, જેઓ બીજાના ઘરે કામ કરીને તેમજ જંગલમાં લાકડા વિંણી પોતાનું ગુજરાન ચલાવે છે, જેને પોતાના એકના એક દીકરો અવાર નવાર દારૂ પીને ઝઘડા કરતો હોય, જેના કારણે દીકરાની વહુ પણ જતી રહી હોય, પોતાના દીકરાનો ખૂબ જ ત્રાસ હોઈ, પોતાની સાથે ઝઘડાઓ કરી, પોતાને ઘરમાંથી અવાર નવાર કાઢી મૂકતો હોઈ, પોતાના પુત્રને સુધારી, ત્રાસમાંથી મુક્તિ અપાવવા અંગેની વિનંતી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને કરવામાં આવેલ હતી.
 જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી.કે.ઉંજીયા, પીએસઆઇ જે.એચ. કછોટ તથા સ્ટાફના હે.કો. સમીરભાઈ, મોહસીનભાઈ, જીલુભાઈ, વિક્રમભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, સહિતની ટીમ દ્વારા પીડિત વૃદ્ધ સિનિયર સીટીઝન મહિલાના પુત્રને રાત્રીના શોધી, કેફી પીણું પીધેલ હાલતમાં પકડી પાડી, પોલીસની ભાષામાં સમજાવી, જેલ હવાલે કરવામાં આવેલ હતો. પોતાના એકના એક પુત્રના ત્રાસના કારણે વ્યથિત વૃદ્ધ મહિલાએ પોલીસની પોતાના કુટુંબી જેવી સહિષ્ણુતાભરી કાર્યવાહીથી ભાવવિભોર થઈને જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો..
 જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક  રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા પીડિત વૃદ્ધ મહિલાની મદદ કરી, પોતાના બગડેલા પુત્ર ઉપર કાર્યવાહી કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

(8:37 pm IST)