Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

એસ્સાર ઓઇલફિલ્ડને ઓએનજીસીના સીબીએમ કૂવાના સારકામનો કોન્ટ્રાકટ

જામનગર તા. ૨૪ : એસ્સાર ઓઇલફિલ્ડ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ (ઇઓએસઆઇએલ)એ આજે જાહેરાત કરી હતી કે, કંપનીને ઓએનજીસીનો ઝારખંડના બોકારોસ્થિત કોલ બેડ મિથેન (સીબીએમ)માં ૩૦ કૂવાનું શારકામ કરવાનો રૂ. ૩૨ કરોડનો કોન્ટ્રાકટ મળ્યો છે. કંપની કામગીરી માટે MR#11 લેન્ડ રિગ તૈનાત કરશે, જે આગામી થોડા અઠવાડિયામાં શરૂ થવાની અપેક્ષા છે.

ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. ૩૦૦ કરોડની આવક કરનાર ઇઓએસઆઇએલની ચારમાંથી ત્રણ રિગ કાર્યરત છે. ઓઇલ ઇન્ડિયા અને મર્કેટર પેટ્રોલીયમ સાથે આ રિગનો કરાર કરેલો છે. તેની ઓફશોર સેમિ-સબમર્સિબલ રિગ એસ્સાર વાઇલ્ડકેટે મે, ૨૦૧૭થી અત્યાર સુધી ઓએનજીસી સાથે ત્રણ વર્ષનો રૂ. ૮૫૦ કરોડનો કોન્ટ્રાકટ પણ કર્યો છે, જે સરકારી માલિકીની ઓઇલ અને ગેસ એક્ષ્પ્લોરેશન અને પ્રોડકશનમાં અગ્રણી ઓએનજીસી સાથે શારકામનો બીજો કોન્ટ્રાકટ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ઇઓએસઆઇએલની આવકમાં વધુ ૨૦ ટકો વધારો થવાની અપેક્ષા છે, જે માટે એસેટનો શ્રેષ્ઠ ઉપયોગ જવાબદાર છે. તેની આઠ રિગ આગામી નાણાકીય વર્ષમાં કલાયન્ટની રેન્જ માટે કામ કરે એવી શકયતા છે.

ઇઓએસઆઇએલનાં સીઇઓ શ્રી રાજીવ નૈયરે જણાવ્યું હતું કે 'અમને બોકારો બ્લોક માટે આ શારકામ કરાર મળ્યાનો ગર્વ છે, જેને ભારતનો સૌથી મોટો સીબીએમ પ્રોજેકટ ગણવામાં આવે છે. તે શારકામનાં કરારમાં અમારી કુશળતાને પ્રદર્શિત કરશે અને અમને આ પ્રકારનાં વધુ પ્રતિષ્ઠિત પ્રોજેકટ્સ મેળવવામાં મદદરૂપ થશે. ભારતમાં ઓઇલ અને ગેસ એક્ષ્પ્લોરેશન સેકટરમાં કામગીરી વધવાની સાથે અમારી અત્યાધુનિક રિગ સ્થાનિક ક્રૂડ ઉત્પાદનને મદદ કરવા માટે સજ્જ છે, જેથી દેશની ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત થશે.'

(1:53 pm IST)