Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

થાનગઢના ખાખરાવાડીમાં કાર્બોસેલના ખોદકામમાં ડખ્ખોઃ હવામાં ફાયરીંગ?

વઢવાણ તા. ૨૪ : થાન પંથકમાં મળી આવતા ખનીજ કાર્બોસેલનુ ગેરકાયદેસર ખોદકામ ૨૪ કલાક ચાલી રહ્યું છે. ત્યારે ખોદકામની ઉધડની રકમ ને લઈને બે જુથ વચ્ચે બોલાચાલી બાદ હવામાં બે રાઉન્ડ ફાયરીંગનો બનાવ બનતા જીલ્લામાં દહેશત નો માહોલ ઉભો થવા પામ્યો છે. જયારે થાન પોલીસના પી.આઇ. બનાવ બન્યો ન હોવાનુ જણાવી રહ્યા છે.

થાનના ખાખરાવાડી વિસ્તારમાં હજુ બે દિવસ પહેલા જ ખોદકામ દરમિયાન પરપા્તિય શ્રમિકનુ ભેખડ હેઠળ દબાઇ જતાં મોત થવાનો બનાવ બન્યો છે પરંતુ પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ ખોદકામ ચાલતુ હોય મોટી રકમથી બનાવ ઉપર પડદો પાડી દેવામાં આવ્યો છે. ત્યારે મંગળવારના રોજ ખાખરાવાડીમાં થતાં ખોદકામ ની ઉધડની રકમ ને લઈને બે જુથો વચ્ચે બોલાચાલી થવા પામી હતી. જેમાં એક જુથના શખ્સોએ ઉશ્કેરાઈ જઇ ખાનગી બંદૂકમાંથી હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરતાં નાસભાગ મચી જવા પામી હતી. બનાવ બની ગયા બાદ પહોંચતી થાન પોલીસને જાણ પણ ન હતી કે પછી જાણી જોઈને અજાણ બની હતી જેના કારણે મીડિયામાં ફાયરીંગના સમાચાર આવતા પોલીસ લીફા પોથી કરી બનાવને દબાવવા પહોંચી જઇ લાગતા વળગતાના નિવેદન લઈ બનાવને દબાવવાના કામે લાગી ગઈ હોવાનો ઘાટ સર્જાયો છે. આ બાબતે થાન પી.આઇ. ડામોરે જણાવ્યું હતું કે આવો ફાયરીંગનો બનાવ બન્યો નથી.

(12:51 pm IST)