Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

૯૧૬૦ વૃક્ષોના વાવેતર સાથે જામનગર જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને ૧ વર્ષ પૂર્ણ થવાના અવસરે : જિલ્લામાં પ૧૦૦૦ વૃક્ષ વાવેતરનો દ્રઢ સંકલ્પ આગળ ધપી રહ્યો છે ૩ર૧૦૦ વૃક્ષોનું વાવેતર થયું

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા. ર૩ : કોરોનાની બીજી લહેર દરમ્યાન ઓકસીજન માટે દર્દીઓને તકલીફ પડતી જોઇ, આપણી ભાવિ પેઢીને કુદરતી રીતે ઓકસીજન મળી રહે તે માટે જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરાએ જિલ્લાના પદાધિકારીઓ અને સંગઠનના આગેવાનો સામે જિલ્લામાં એક વર્ષમાં પ૧૦૦૦ વૃક્ષોના વાવેતર માટે પ્રસ્તાવ મુકેલ જેને જિલ્લાના તમામ આગેવાનો, કાર્યકરોએ હર્ષથી વધાવી લેતા એક મીશન મોડમાં આ કાર્ય શરૂ થયું અને આજ દિન સુધી ૩ર૧૦૦ વૃક્ષોનું વાવેતર જિલ્લામં ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલ છે. આ અનુસંધાને રમેશભાઇ મુંગરા દ્વારા દરેક સક્રિય સભ્યોને પ વૃક્ષો વાવવા માટે આહવાહન કરેલ જેનો પણ સુંદર પ્રતિસાદ મળી રહેલ છે.

વિશષમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ આર.સી.પાટીલના કાર્યકાળને સફળતા પૂર્વક પ્રથમ વર્ષ પૂર્ણ પ્રદેશ દ્વારા ગુજરાતના તમામ જીલ્લાઓને લીલુછમ બનાવવાના નિર્ધાર સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ આપવામાં આવેલ જે અનુસંધાને જામનગર જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ર૩ જાહેર સ્થળોએ તેમજ કાર્યકરો દ્વારા ર૮ પ્રાઇવેટ જગ્યાઓ મળીને કુલ ૯૧૬૦ વૃક્ષોનું વાવેતર એક જ દિવસમાં કરવામાં આવેલ છે.

જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરાએ એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર એક જ દિવસમાં બહોળા પ્રમાણમાં અને તમામ તલાુકા તથા શહેરી મંડલોમાં વૃક્ષોનું વાવેતર કરી સમગ્ર ગુજરાતમાં જામનગર જિલ્લાએ સમગ્ર ગુજરાતમાં પક્ષ દ્વારા થયેલા કાર્યક્રમોમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે તેનો આનંદ વ્યકત કરતા સર્વે કાર્યકરો, તાલુકા શહેરી મંડલના પ્રમુખ-મહામંત્રીઓ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો, કોર્પોરેટરો, તમામ મોરચાના સર્વે હોદેદારો અને સક્રિય સભ્યોનો આભાર વ્યકત કરી અભિનંદન પાઠવેલ છે.

એક જ દિવસમાં ૯૧૬૦ વૃક્ષોના વાવેતર માટે જિલ્લા ભાજપ દ્વારા અગાઉથીસુદ્રઢ આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરાના માર્ગદર્શન હેઠળ મહામંતરીઓ દિલીપભાઇ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, મનોજભાઇ જાની, જિલ્લા તથા તમામ તાલુકા ભાજપના તમામ હોદેદારો સહિત વૃક્ષારોપણના ઇન્ચાર્જ ગણેશભાઇ મુંગરા, જિલ્લા કિશાન મોરચાના પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, ભાવેશભાઇ નાગપરાએ જહેમત ઉઠાવેલ.

નોંધનીય છે કે દરેક તાલુકા તથા શહેરી મંડલમાં થયેલ કાર્યક્રમોમાં જે તે મંડલના પ્રમુખ તથા પદાધિકારીઓ ચુંટાયેલ પ્રતિનિધિઓ, સમાજિક અગ્રણીઓ, સરપંચો, ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(12:58 pm IST)