Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

૬ વર્ષની પિતા વિહોણી પાયલ પર નિર્દયી મા રંજનની બેરહેમી : સાણસીથી શરીર-ગુપ્ત ભાગે ચીંટીયા ભર્યા, જમવા માટે પાણી ને રોટલો જ અપાતો!

થાનના નવાગામની ચોંકાવનારી ઘટનાઃ પ્રસંગમાં ભેગા થયેલા મોટા બાપુએ નાના ભાઇની વહૂ રંજનને તમારી દિકરી 'પાયલ કયાં છે?' પુછતાં તેણે મામાના ઘરે ગયાનું કહ્યું, પણ શંકા જતાં વંડી ઠેંકી ઘરમાં તપાસ કરતાં પાયલ પુરાયેલી હોવાનું ખુલ્યું : છ સાત મહિનાથી ત્રાસ હોવાની કથની રાજકોટ હોસ્પિટલના બિછાનેથી બાળાએ વર્ણવતા અરેરાટી વ્યાપી ગઇઃ રંજન સાથે તેની માસી જીલુએ પણ અનહદ ત્રાસ ગુજાર્યાનું જણાતાં ગામલોકોએ બંનેને ઢીબી નાંખી, તક જોઇ બંને ભાગી ગઇઃ બાળાને મોટા બાપુ મંગાભાઇ મીઠાપરાએ રાજકોટ સારવાર માટે ખસેડી : પાયલના પિતાનું ચારેક વર્ષ પહેલા અવસાન થયું છે : માસુમ પાયલે કહ્યું-હું વધુ કામ ન કરી શકું તો મને પુરી રાખવામાં આવતી, માર મારતા'તા!: થાન પોલીસે તપાસ હાથ ધરી : મોટા બાપુએ ઇજાના નિશાનો અંગે પુછતાં પહેલા તો બાળાએ મધમાખી, ભમરી કરડી ગયાનું કહ્યું: ફોસલાવીને પુછતાં ત્રાસની વિતક વર્ણવી : સિતમનો ભોગ બનેલી માસુમ પાયલ અને તેના મોટા બાપુ મંગાભાઇ મીઠાપરાએ ત્રાસની વિગતો જણાવી હતી

રાજકોટ તા. ૨૩: એવી કહેવત છે કે 'મા તે મા બીજા વગડાના વા'...સંતાનોના સુખ માટે જનેતા પોતે દુઃખ વેઠી લેતી હોય છે, પેટના જણ્યાઓની ખુશી માટે મા કંઇપણ કરતી હોય છે. પ્રેમનું બીજુ નામ એવી મા ઘણીવાર એવું રૂપ દેખાડે કે જેની કોઇએ કલ્પના પણ કરી ન હોય. ચોટીલાના થાન તાબેના નવાગામની એક એવી ઘટના સામે આવી છે જેમાં એક માએ પોતાની જ છ વર્ષની માસુમ દિકરી પર ગુજારેલા અનહદ સિતમને કારણે આ દિકરીને હોસ્પિટલના બિછાને પહોંચવું પડ્યું છે. બાપ વિહોણી આ દિકરી ઘરનું વધુ કામ કરી શકતી ન હોવાથી તેને સાણસીથી છાતી સહિતના ભાગોએ ચીંટીયા ભરવામાં આવતાં હતાં, ગુપ્ત ભાગે પણ આ રીતે સિતમ ગુજારાતો હતો...એટલુ જ નહિ તેને છએક મહિનાથી રૂમમાં પુરી રાખી જમવા માટે માત્ર કોરો રોટલો કે રોટલી અને માત્ર પાણી જ અપાતાં હતાં!...ગઇકાલે પ્રસંગમાં આવેલા મોટાબાપુએ આ દિકરીને ન જોતાં તેની માને પૃચ્છા કરતાં તેણીએ ગલ્લા તલ્લા કર્યા બાદ ઘરમાં તપાસ કરતાં માસુમ બાળકી રૂમમાં બંધનમાં મળી હતી. તેની હાલત ખરાબ હોઇ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

ઘટનાની વિગતો એવી છે કે થાનના નવાગામે રહેતી પાયલ ભવાનભાઇ મીઠાપરા (ઉ.વ.૬)ને ગત રાતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી.  અહિ તબિબની પ્રાથમિક પુછતાછમાં તેણીને તેની માતા રંજન અને માતાની માસી જીલુબેને સાણસીથી માર માર્યાનું અને આ કારણે છાતી, શરીરે ઇજાઓ થયાનું કહેવાતાં તબિબે પોલીસ કેસ જાહેર કરી બાળાને કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે થાન પોલીસને એન્ટ્રી નોંધાવી હતી.બાળાની સાથે આવેલા તેના મોટાબાપુ મંગાભાઇ શામજીભાઇ મીઠાપરાએ જણાવ્યું હતું કે-પાયલ બે ભાઇથી નાની છે, તેના પિતા ભવાનભાઇનું ચારેક વર્ષ પહેલા હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે. ભાઇના ઢોર વેંચીને જે રૂપિયા આવ્યા તેનાથી રંજનબેન તેના સંતાનોનું ગુજરાન ચલાવે છે. તેમજ એ મજૂરી કરવા પણ જાય છે. હું બાજુના ગામમાં રહેતો હોઇ સમયાંતરે રંજનની દિકરી-દિકરાવના ખબર પુછવા આવતો જતો રહુ છું. ગઇકાલે ગુરૂવારે નવાગામમાં કુટુંબમાં સગાઇ પ્રસંગ હોઇ અમે બધા અહિ આવ્યા હતાં.

સગાઇ પ્રસંગમાં મારા નાના ભાઇની વહુ રંજનબેન અને તેની માસી જીલુબેન ડાભી જોવા મળી હતી અને રંજનની દિકરી પાયલ જોવા ન મળતાં અમે તેને પુછતાં તેણે પાયલ તો તેના મામાના ઘરે રોકાવા ગઇ છે એમ કહી દીધું હતું. પરંતુ તેની વાતમાં અમને શંકા જતાં અમે રંજનના ઘરે જોતાં ડેલીએ તાળુ હતું. વંડી ઠેંકીને અમારી દિકરીઓ અંદર જતાં રૂમમાં પાયલ પુરાયેલી અને અસ્વસ્થ મળી હતી. તેની પાસે એક ડીશમાં રોટલો અને એક વાસણમાં પાણી ભરેલુ જોવા મળ્યું હતું.

અમે પાયલને બહાર કાઢીને પુછતાં અને તેના શરીર ઉપર નિશાન જોવા મળતાં તે અંગે પુછતાં પાયલે પહેલા તો આ નિશાન ભમરી કરડી જવાથી, મધમાખી કરડવાથી થયાનું કહ્યું હતું. પરંતુ તે ખુબ ગભરાયેલી હોઇ અમે તેને ફોસલાવીને પુછતાં તેણે પોતાના પર છ સાત મહિનાથી મા રંજન અને રંજનની માસી જીલુમાસી ત્રાસ ગુજરાતી હોવાનું કહ્યું હતું. પાયલ ઘરનું વધુ કામ કરી શકતી ન હોવાથી તેને મા સાણસીથી ચીંટીયા ભરતી હતી. છાતીએ, શરીરે અને ગુપ્ત ભાગે પણ સાણસીથી ચીંટીયા ભર્યાનું બાળાએ અમને કહેતાં અમે ચોંકી ગયા હતાં. એટલુ જ નહિ પોતાને મોટે ભાગે રૂમમાં પુરી રાખી જમવા માટે માત્ર સુકો રોટલો કે રોટલી અને ખાલી પાણી જ આપતાં હોવાનું પણ પાયલે કહ્યું હતું.

મંગાભાઇએ વધુમાં કહ્યું હતું કે પાયલે ત્રાસની આ કથની વર્ણવતા જ હાજર બધા કુટુંબીઓએ રંજન અને તેની માસીની ધોલધપાટ ચાલુ કરી દીધી હતી. એ દરમિયાન એ બંને તક જોઇને ભાગી ગઇ હતી. અમે  પાયલને થાન હોસ્પિટલમાં સારવાર અપાવી હતી અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવ્યા હતાં.

પાયલે ખુદે પણ હોસ્પિટલના બિછાનેથી પોતાના પર માતા અને તેની માસીએ કઇ રીતે કેવો ત્રાસ ગુજાર્યો તેની કથની વર્ણવી હતી. થાન પોલીસે આ મામલે બાળકી અને તેના કુટુંબીઓના નિવેદન નોંધવા તથા આગળની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. માસુમ બાળા હાલ રાજકોટ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(3:16 pm IST)