Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ભુજમાં ઘરકામ દરમિયાન ૪.૩૬ લાખની ચોરી કરનાર નોકરાણી ઝડપાઇ

નિવૃત્ત શિક્ષક દંપતીને ત્યાં કર્યો હતો હાથફેરો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ :  ભુજના જયુબિલી સર્કલ નજીક આવેલા અક્ષયરાજ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપત્તી અનસુયાબેન અને જયંતીલાલ પોલરાના ઘરમાંથી ૪.૩૬ લાખના ઘરેણા અને રોકડ રકમની ચોરી થઈ હતી. જે બનાવને પગલે શકદાર આરોપી તરીકે રસોઈ કરવા માટે આવતી ભારતીબેન સલાટ નામની મહિલા વિરૂદ્ઘ ગુનો નોંધાવાયો હતો.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે દંપત્તિના ફલેટમાંથી ૧.૭૩ ગ્રામ વજનના સોના-ચાંદીના દાગીના, ૪૦ હજારની રોકડ રકમ, બે મોબાઈલ ફોન મળીને કુલ ૪ લાખ ૩૬ હજાર ૫૦૦ની માલમત્ત્।ા ચોરાઈ હતી. બનાવને પગલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

જેમાં આરોપી મહિલાની યુકિત પ્રયુકિતથી સઘન પુછપરછ કરતા ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આરોપી ભારતીબેન મનહરભાઈ સલાટની પોલીસે વિધિવત ધરપકડ કરી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો હતો.

આ કાર્યવાહીમાં પીઆઈ એમ.જે. ચૌધરીની સુચનાથી પીએસઆઈ વાય.પી. જાડેજા, કોન્સ્ટેબલ શૈલેષભાઈ ટાંક, મુકેશભાઈ તરાલ, લાખાભાઈ બાંભવા સહિતના જોડાયા હતા.

(10:53 am IST)