Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ઉપલેટાના કેરાળા ગામના પ બાળકોએ ૧પ દિવસમાં બોરવેલ ગાડી બનાવી

આગામી દિવસમાં પ્‍લેન બનાવવાની બાળોકની ઇચ્‍છા

 કાળા માથાનો માનવી ધારે તો શું નથી કરી શકતો એ સૂત્ર અહીં સાર્થક થાય છે. રાજકોટના ઉપલેટા તાલુકાના કેરાળા ગામના 5 બાળકોએ મળી બોરવેલ ગાડી તૈયાર કરી છે. ઉનાળાના વેકેશનનો સદુપયોગ કરી બાળકોએ માત્ર 15 દિવસમાં બોરવેલની ગાડી તૈયાર કરી. રમકડાની ગાડી, બેટરી, સેલની મદદથી બાળકોએ આ બોરવેલ ગાડી તૈયાર કરી છે. 

બાળકોએ તૈયાર કરેલી ગાડી જમીનમાંથી પાણી બહાર કાઢતા બોર જેવુ જ લાગે છે. બાળકોએ તૈયાર કરેલી બોરવેલ ગાડીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં બાળકોના લોકો વખાણ કરી રહ્યા છે. ત્યારે ગામના સરપંચે પણ બાળકોને પ્રોત્સાહન પૂરુ પાડ્યું છે. ગામના બાળકો આ પ્રકારના કામ કરી નામ રોશન કરે તે માટે સરપંચે નવો બગીચો બનાવવાની જાહેરાત કરી છે. આ ગામના બાળકોએ આગામી દિવસોમાં પ્લેન પણ તૈયાર કરવાની ઈચ્છા દર્શાવી છે..

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નાના એવા કેરાળા ગામમા પાંચ બાળકો પોતાના ગામના ચોકમાં રમતા હશે ત્યારે ગામમાંથી બોરવેલ નીકળી તે જોઈ બાળકોને મનમાં વિચાર આવ્યો કે આપણે પણ આવી બોરવેલ ગાડી બનાવીએ. પછી શુ બાળકો લાગી ગયા કામે.. ગામમાંથી રમકડાંની ગાડી શોધી, બેટરી શોધી, સેલ લીધા અને ગાડીમાં પંદર દિવસ સુધી બાળકો ઝઝુમીયા. અંતે બાળકોની મહેનત રંગ લાવી અને બોરવેલ ગાડી તૈયાર થઈ ગઈ. બાળકોએ આ રમકડાંની બોરવેલ ગાડીમા પાણી જમીનમાં હાંકી તો કાયદેસર બોર થતો હોઈ તેવો અદભુત નજારો જોવા મળ્યો. બાળકો રમત રમતમાં મોટાને પણ શરમાવે તેવું અદભુત કાર્ય કર્યું

બાળકોએ સતત પંદર દિવસ સુધી હિંમત હાર્યા વગર સ્કૂલના વેકેશનનો સદુપયોગ કર્યો અને બોરવેલ ગાડી બનાવી અને આ કામમાં તેમના પરિવાર પણ સાથે સહકાર આપતો હતો. બાળકો જે માંગે તે વસ્તુ લઈ આવી આપતાં અને બાળકો પણ રમત ગમતની ઉંમરમાં રમતને બદલે વેકેશનનો સદઉપયોગ કરી વૈજ્ઞાનિકની જેમ બોરવેલ ગાડી બનાવી હતી. 

આ તકે ગામના સરપંચના પતિએ પણ બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું અને શાબાશી આપી હતી અને ગામમા બાળકો આવા કાર્ય કરે તે માટે આગામી સમયમાં ગામમા નવો બગીચો પણ બનાવી આપવાની તયારી કરી છે. હાલ બાળકોએ બનાવેલ આ બોરવેલ ગાડીનો વિડિઓ વાયરલ થયેલ, જેની ભારે પ્રશસા થયેલ છે. આ બાળકોને નવી જીજ્ઞાશા છે જે આગામી સમયમાં આ બાળકોને આકાશમાં જેમ પ્લેન ઉડે છે તેવું પ્લેન બનાવવાની આ બાળકોની અગમ્ય ઈચ્છા છે, ત્યારે આપણે કહેવત બાળકો ધારે તો શુ ન કરી શકે તે આ નાના બાળકોએ બોરવેલ ગાડી બનાવી સાબિત કરી બતાવ્યુ છે.

(5:43 pm IST)