Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

જુનાગઢમાં ૧૪ ગણુ વ્‍યાજ લેતા ઝેરી દવા પીવા મજબુર કરનાર આદિત્‍ય ઉર્ફે ગાંધી સોલંકી ઝડપાયો

(વિનુ જોશી દ્વારા જુનાગઢ, તા. ર૩:  જુનાગઢ રેન્‍જના ડીઆઇજી મનીન્‍દર પ્રતાપસિંહ પવાર તથા જુનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમાં શેટી દ્વારા અપાયેલ સુચના બાદ વ્‍યાજખોર વિરૂદ્ધ ગુન્‍હાઓ નોંધી પગલાઓ ભરવામાં આવતા હોવાથી વ્‍યાજખોરોમાં ફફડાટ ફેલાયો છે.

કેશોદ ખાતે ઇન્‍દિરા નગર ખાતે સોસાયટી વિસ્‍તારમાં રહેતા અને કલર કામની મજૂરી કરી, પોતાનું ગુજરાન ચલાવતા મનદીપ જગદીશભાઈ ચુડાસમાએ પોતાની જરૂરીયાતના કારણે પોતાના ઓળખીતાજૂનાગઢના વ્‍યક્‍તિ આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી સોલંકી પાસેથી સાત આઠ મહિના પહેલા  રૂ. ૧૦,૦૦૦/- વ્‍યાજે લીધેલા અને  અત્‍યાર સુધીમાં રૂપિયા ચૂકવતા ચુકવતા, મુદ્દલ અને વ્‍યાજ સહિત રૂ. ૪૫,૦૦૦/- ચૂકવી દીધા હતા. યુવાન વેપારી દ્વારા ૧૦ હજારના ૪૫ હજાર ચૂકવી દેવા છતાં, યુવાનનું વ્‍યાજ બમણું થઇ ગયેલ અને મુદ્દલ પણ એટલું જ રહેલ હતું અને વ્‍યાજખોર આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી સોલંકી દ્વારા હજુ પણ રૂ. ૯૫,૦૦૦/- માંગવામાં આવ્‍યા હતા અને પઠાણી ઉઘરાણી કરી, ધમકીઓ આપવામાં આવતી હતી. વ્‍યાજ ચુકવવાની લ્‍હાયમાં મજૂરી પણ કરી શકતા ના હતા. વ્‍યાજખોરોનું મુદ્દલ તો એમના એમ જ રહ્યું, પણ વ્‍યાજને પહોંચી શકાતું ન હોતું. ફરિયાદી યુવાન દ્વારા વ્‍યાજખોરને વ્‍યાજ આપી દીધા બાદ, પેનલ્‍ટી સહિત હજુ પણ દશ ગણા રૂપિયા વ્‍યાજના ચઢાવી, ફરિયાદીની હાલત કફોડી થઈ ગયેલ અને વધુમાં યુવાનના ઘરે જઈને તેમજ મોબાઈલ ફોન ઉપર ધમકીઓ આપી, હેરાન કરવાનું તથા ધમકી આપવાનું શરૂ કરતાં, ફરિયાદી યુવાન વ્‍યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી, અરજદાર એટલો બધો મુંજાયેલો કે, અરજદાર ગમે તેમ કરે, તો પણ વ્‍યાજખોરોના વ્‍યાજને પહોંચી શકે તેમ ના હોઈ, માનસિક સ્‍થિતિ ખૂબ જ બગડી ગયેલ હતી. ફરિયાદી પાસે    કોઈ રસ્‍તો ના હોઈ, તા. ૧૧.૦૩.૨૦૨૨ ના રોજ ઝેરી દવા પી જતા, હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો, જ્‍યા છરી સાથે જઈને પણ આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી સોલંકી દ્વારા વ્‍યાજ નહિ આપે તો, મારી નાખવાની ધમકી આપતા, આ બાબતે કેશોદ પોલીસ સ્‍ટેશન ખાતે વ્‍યાજખોર આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી સોલંકી વિરૂદ્ધ મની લોંડરિંગ એક્‍ટ તથા ખંડણી ઉઘરાવવા બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી કેશોદ ખાતે ગુન્‍હો દાખલ થયા બાદ છેલ્લા બેએક માસથી આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી સોલંકી  વોન્‍ટેડ થઈ, નાસતો ફરતો હતો .

 જૂનાગઢ શહેરમાં પણ વ્‍યાજખોરોની રજૂઆત આવતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીઆઇ એન.આર.પટેલ, પીએસઆઈ કે.કે.મારું તથા સ્‍ટાફના હે.કો. ધાનીબેન, નીતિનભાઈ, મુકેશભાઈ, વનરાજસિંહ, સહિતની ટીમ દ્વારા મળેલ બાતમી આધારે કેશોદના વ્‍યાજ વટાવના અને બળજબરીથી ખંડણી ઉઘરાવવા ના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકી ઉવ. રહે. ર્બોડિંગ વાસ, જૂનાગઢની ધરપકડ કરી, રાઉન્‍ડ અપ કરી, કેશોદ પોલીસને સોંપવામાં આવેલ છે. કેશોદ પોલીસ સ્‍ટેશનના પીએસઆઈ કે.એસ.ડાંગર તથા સ્‍ટાફ દ્વારા વોન્‍ટેડ આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકીની ધરપકડ કરી, નામદાર કોર્ટ હવાલે કરતાં,   ચૌદ ગણું વ્‍યાજ લેનાર અને વ્‍યાજ માટે અસહ્ય ત્રાસ ગુજારી, ઝેરી દવા પીવા મજબૂર કરી, હોસ્‍પિટલમાં દાખલ ફરિયાદીને હોસ્‍પિટલમાં હોવા છતાં છરી સાથે મારી નાખવાની ધમકી આપવાના ગુન્‍હાની ગંભીરતા   ધ્‍યાને લઇને નામદાર કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ છે.

બાદમાં આ જ વ્‍યાજખોર આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી સોલંકી તથા તેના ત્રણ સાગરીતો સુનીલ સોલંકી, વિરાટ ડાભી અને ગૌતમ પાતર વિરૂદ્ધ જૂનાગઢના તુષારભાઈ પ્રવીણભાઈ સોજીત્રા દ્વારા પોતાના દીકરાને વ્‍યાજે રૂપિયા આપી, ઉઘરાણી માટે પોતાના ગળે છરી મૂકી રૂ. ૫૫,૦૦૦/- બળજબરીથી ખંડણી ઉઘરાવવા બાબતની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશન ખાતે નોંધાવતા, આ ગુન્‍હામાં પણ વ્‍યાજખોર મની લોંડરીંગ એક્‍ટની કલમનો ઉમેરો કરી, ટ્રાન્‍સફર વોરંટ આધારે કબજો મેળવવા તજવીજ કરવામાં આવેલ છે.

પકડાયેલ વ્‍યાજખોર આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી જયંતીભાઈ સોલંકી વિરૂદ્ધ કેશોદ અને જૂનાગઢ ખાતે બે ફરિયાદીઓ દ્વારા ફરિયાદ નોંધાવતા, જૂનાગઢ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવેલ છે. આ   પકડાયેલ વ્‍યાજખોર આરોપી આદિત્‍ય ઉર્ફે ગાંધી સોલંકીનો અન્‍ય કોઈ વ્‍યક્‍તિ ભોગ બનેલ હોય તો, નજીકના પોલીસ સ્‍ટેશન કે જૂનાગઢ પોલીસના હેલ્‍પ લાઈન નંબર ઉપર સંપર્ક કરવા   જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છ.ં

હાલના સાંપ્રત સમયમાં વ્‍યાજખોરોના ત્રાસથી લોકો જિંદગી ગુમાવતા હોય છે, તેવા સમયે જૂનાગઢ જિલ્લાના   પોલીસ અધિક્ષક શ્રી  રવિ તેજા વાસમ શેટ્ટી   દ્વારા   લોક ડાઉનના કપરા સંજોગો બાદ વ્‍યાજખોરોને નાથવા તેમજ વ્‍યાજખોરીનો ભોગ બનતા લોકોને મદદ કરવાના અભિયાન અને અભિગમના કારણે જૂનાગઢ શહેરના અરજદારને વ્‍યાજની ચુંગાલમાંથી છોડાવી, જિંદગી બચાવી,   સુરક્ષા સાથે સેવાનું સામાજિક ઉત્તરદાયિત્‍વ   નિભાવી, અરજદારની જિંદગી બચાવી,   પોલીસ પ્રજાની મિત્ર છે,   એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કરેલ છે.

(1:02 pm IST)