Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

વાંકાનેર પાલિકાના રોજમદાર કર્મચારીઓ ર૩ દિવસ થવા છતાં પગાર વિહોણા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૩ :.. વાંકાનેર નગરપાલિકાના મહિલા પ્રમુખ જયશ્રીબેન સેજપાલ હાલ રજા ઉપર હોઇ, તેનો ચાર્જ ન. પા. ના ઉપપ્રમુખ ધર્મેન્‍દ્રસિંહ ઝાલા પાસે છે. છેલ્લા ત્રણ માસથી ડી. પા.ના મુખ્‍ય અધિકારી કામગીરી કરી રહ્યા છે. પરંતુ વાંકાનેર શહેરના લોકોના પ્રશ્નો અને વિકાસના કામો હાલ ઠપ્‍પ છે.

પાલીકાની ટાઉન હોલમાં બેસતી કચેરીનો અડધો સ્‍ટાફ એટલે કે જુની કચેરી કે જે શાહબાગમાં બનેલી છે. ત્‍યાં અડધી કામગીરી ત્‍યાં થાય છે. અને અડધી કામગીરી ટાઉનહોલની ખંઢેર જેવી હાલતની ઓફીસમાં થાય છે. જયારે સફાઇ કામદારો જુની ઓફીસે હાજરી પુરાવી  કામે જાય છે. પરંતુ રોજમદાર કામદારોના પગાર આજે ર૩ દિવસ બાદ પણ થયા નથી. જે આ મોંઘવારીમાં તેઓનું કેવી રીતે ગુજરાન ચલાવતા હશે ? તે મુખ્‍ય અધિકારીને ખબર હશે કે નહી ? વાંકાનેર શહેરના અનેક રસ્‍તાઓ પર ખાડા પડી ગયા છે, તે નગરપાલીકાને જાણમાં હશે કે કેમ ? તેવો પ્રશ્ન થઇ રહ્યો છે. વાંકાનેર ન.પા.ના હિલ ગાર્ડન (બગીચો)નું કામ ર૦૧પ માં રાજય સરકારની ગ્રાન્‍ટમાંથી મંજૂર થયેલ. જે આઠ કરોડનું કામ તે ગ્રાન્‍ટમાંથી થવાનું હતું પરંતુ કોઇ કારણોસર આ ગ્રાન્‍ટનું કામ હાલ નગરપાલીકાના સ્‍વભંડોળમાંથી થઇ રહ્યું છે. તે કામનું કોઇ પુછવાવાળુ છે કે કેમ ? તે પણ પ્રશ્ન છે. વાંકાનેર નગરપાલીકાની ઘણી સ્‍ટ્રીટ લાઇટો બંધ છે. જે માલ સામાન્ના કારણે બંધ હોવાનું જાણવા મળે છે. જયારે સફાઇ કામગીરીમાં પણ ઘણા વોર્ડમાં ભેદભાવ રાખવામાં આવે છે. જીનપરા વિસ્‍તાર જયાં પૂર્વ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ ચૂંટાયેલા છે ત્‍યાં પીવા માટેનું ગંદુ પાણી આપવામાં આવે છે.

(4:33 pm IST)