Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

પોરબંદરઃ સેલ્‍ફ ફાઇનાન્‍સ શાળાઓને લીધે ગ્રાન્‍ટેડશાળાના અસ્‍તિત્‍વના જોખમ સામે કોંગ્રેસ દ્વારા રજૂઆત

પોરબંદર, તા.૨૨: નવું શૈક્ષણિક સત્ર આગામી જુન મહિનાથી શરૂ થવા જઇ રહ્યું છે ત્‍યારે સરકારની નીતિના કારણે અનેક ગ્રાન્‍ટેડ સ્‍કૂલો બંધ થઇ રહી છે તે ખૂબજ ચિંતાજનક છે તેવું જણાવીને પોરબંદર કોંગ્રેસે રાજયના શિક્ષણમંત્રીને આવેદન પાઠવી યોગ્‍ય કરવા માંગ કરી છે.

કોંગ્રેસના આગવાન રામદેવભાઇ મોઢવાડીયાએ રાજયના શિક્ષણમંત્રીને રજૂઆતમાં જણાવ્‍યું છે કે ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ થઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને સેલ્‍ફ ફાઇનાન્‍સ સ્‍કૂલોને મંજૂરી મળતા શિક્ષણ મોંઘું થવાની ભીતિ સેવાઇ રહી છે તેથી સેલ્‍ફ ફાઇનાન્‍સ સ્‍કૂલોની મંજૂરી પર બ્રેક મારવી જોઇએ. સેલ્‍ફ ફાઇનાન્‍સ શાળાને અપાયા પીળા પરવાના અપાયા છે જેના કારણે શિક્ષણ ખૂબ મોંઘુ બની ગયું છે. રાજયમાં ૧૯૯૪ બાદથી સરકારે સેલ્‍ફ ફાઇનાન્‍સ શાળાઓ શરૂ કરવા મંજૂરી આપવાની શરૂઆત કરી હતી, ત્‍યારબાદથી ગ્રાન્‍ટેડ શાળાઓને મંજૂરી આપવાનું રાજય સરકારે ધીમે ધીમે બંધ કરી દેતા, નવી ગ્રાન્‍ટેડ શાળાને આજના સમયમાં મંજૂરી મળતી નથી. રમણવોરા રાજયના શિક્ષણમંત્રી હતા એ સમયે ત્‍યારબાદ ભૂપેન્‍દ્રસિંહ  શિક્ષણમંત્રી ત્‍યારે પણ અને હવે ફરી જીતુભાઇ શિક્ષણ મંત્રી છે ત્‍યારે પણ એવી માંગણી છે કે સરકારે બે વર્ષ માટે નવી સ્‍વનિર્ભર શાળાઓને મંજૂરી આપવી જોઇએ નહીં.

ભાજપના રાજમાં ગરીબ અને મધ્‍યમ વર્ગના બાળકોનું શિક્ષણ મોંઘુ બન્‍યું છે. સામાન્‍ય અને ગરીબ વાલીઓ સરળતાથી પોતાના બાળકોને અભ્‍યાસ કરાવી શકે તે માટે સરકારને અપીલ છે કે ગ્રાન્‍ટેડ શાળાઓને બચાવવા નવી સ્‍વનિર્ભર શાળાઓની મંજૂરી આગામી બે વર્ષ માટે ના આપવામાં આવે. જે સ્‍વનિર્ભર શાળાઓ છે તેને વર્ગ વધારો આપવાની જરૂરીયાત હોય તો વર્ગ વધારો આપવામાં આવે એમાં વાંધો ના હોઇ શકે. રાજયમાં સામાન્‍ય પરિવારના બાળકોને શિક્ષણ આપણી ગ્રાન્‍ટેડ શાળાઓનું અસ્‍તિત્‍વ ખતરામાં છે. શિક્ષણ વિભાગની કેટલીક નીતિઓને કારણે ચાલુ વર્ષે વધુ અનેક ગ્રાન્‍ટેડ શાળામાં સંચાલકોએ શાળા બંધ કરવા અરજી કરી હતી. છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫૦૦ જેટલી ગ્રાન્‍ટેડ શાળાઓ રાજયભરમાંથી બંધ થઇ ચૂકી છે. સરકાર તરફથી અપાતી અપૂરતી ગ્રાન્‍ટને કારણે ગ્રાન્‍ટેડ શાળાના સંચાલકો શાળા બંધ કરવા મજબૂર બન્‍યા છે. વર્ષ ૨૦૧૦માં રાજયભરમાં અંદાજે ૪૫૦૦ જેટલી ગ્રાન્‍ટેડ શાળાઓ હતી, જે ઘટીને ૩૦૦૦ જેટલી બચી છે. તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(10:59 am IST)