Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

મોરબી સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં દર્દી કણસતા રહ્યા પરંતુ ડોક્ટર ના આવતા દર્દીનું મોત

દર્દીના મૃત્યુથી પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હંગામો કર્યો

મોરબી સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે હોસ્પીટલમાં એકપણ બેડ ખાલી નથી અને નવા દર્દીઓ આવતા હોસ્પિટલમાં વ્યવસ્થા થઇ સકતી નથી ત્યારે આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ત્રણ કલાક સુધી એમ્બ્યુલન્સમાં જ દર્દી કણસતા રહયા પરંતુ ડોક્ટર ચેક કરવા આવ્યા જ નહિ અને ત્રણ કલાક મોત સામે સંઘર્ષ કરીને અંતે દર્દીએ દમ તોડ્યો હતો તો દર્દીના મૃત્યુથી પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હંગામો કર્યો હતો

ટંકારાના રહેવાસી ચંદુભાઈ નટવરભાઈ રાઠોડ નામના ૫૦ વર્ષના દર્દીનો ગત તા. ૧૭ ના રોજ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેની તબિયત વધુ ખરાબ થતા આજે ૧૦૮ મારફત મોરબી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા દર્દીના સગા યોગેશભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર સાંજે ૫ વાગ્યે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા અને તેઓ ૧૦ વખત ડોક્ટરને બોલાવવા ગયા હતા તેમજ ૧૦૮ ના સ્ટાફ પણ ૦૪ વખત ડોક્ટરને બોલાવવા ગયા હતા એમ્બ્યુંલન્સમાં ઓક્સીજન પર જ રાખવામાં આવ્યા હતા જેને તાત્કાલિક સારવારની જરૂરત હોય છતાં ડોક્ટરને આજીજી કરવા છતાં કોઈ આવ્યા ના હતા અને બોલાવવા જતા ઉચા અવાજે ના બોલ તેવું ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું તો ત્રણ કલાક દર્દી એમ્બ્યુલન્સમાં કણસતા રહ્યા બાદ તેને દમ તોડ્યો હતો તો દર્દીના મૃત્યુથી પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો જેના પગલે પોલીસ દોડી ગઈ હતી તો આ મામલે જેના પર આક્ષેપ કરવામાં આવ્યા છે તે ડો. હર્ષ કેલાએ મીડિયા સામે કાઈ પણ જવાબ આપવાનો ઇનકાર કરી દીધો હતો

સિવિલના આરએમઓ ડોક્ટરનો બચાવ કરતા જોવા મળ્યા , દર્દીના મૃત્યુના બનાવ અંગે મોરબી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો સરડવાએ જણાવ્યું હતું કે ઓપીડીમાં ૦૪ દર્દી વેઈટીંગમાં હતા અને ડોક્ટર ચેક કરવા પણ આવ્યા હશે આવા બનાવો ના બને તેની તકેદારી રાખશું તેમજ લોકોનો પણ સહકાર મળે તેવું જણાવ્યું હતું આમ ગોળગોળ વાતો કરીને પોતાના ડોક્ટરનો બચાવ કરતા તેઓ નજરે પડ્યા હતા

(10:28 pm IST)