Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

૬ મોત, નવા ૨૧૪ કેસ વચ્ચે કચ્છમાં ૩૦૦ થી વધુ ગામો ૫ શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન

કોરોનાની અઘોષિત કટોકટી સર્જાય તે પહેલા સંક્રમણ અટકાવવા નેતાઓની સમજાવટ સાથે લોકો તૈયાર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૩:  કચ્છમાં વધુ ૬ મોત, નવા ૨૧૪ કેસ અને સારવાર લઈ રહેલા ૧૨૫૯ દર્દીઓ સાથે કોરોનાએ બેકાબૂ રફતાર પકડી છે. કોરોનાની આ બીજી લહેરે કચ્છમાં શહેરી અને ગ્રામીણ બન્ને વિસ્તારોને બરાબર લપેટમાં લઈ લીધા છે. જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મોતની સંખ્યા અને નવા કેસો સાથે એકિટવ દર્દીઓ પણ સતત વધી રહ્યા છે.

દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે કોરોનાની સારવારમાં સરકારી વ્યવસ્થા અપૂરતી સાબિત થઈ રહી છે. જોકે, સ્થાનિક નેતાઓ સરકારની અપૂરતી વ્યવસ્થા સમજીને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને પ્રાથમિક સુવિધા માટે કોવિડ કેર સેન્ટર ઊભા કરી રહ્યા છે.

પણ, ગંભીર દર્દીઓની વધતી જતી સંખ્યા અને તેમની તબીબી સારવારની સુવિધા અંગેની પરિસ્થિતિ ચિંતાજનક છે.

આવા સંજોગોમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે નેતાઓ સ્વૈચ્છિક લોકડાઉન માટે વ્યાપારીઓ અને નેતાઓને સમજાવી રહ્યા છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં ત્રણ, પાંચ અને આઠ દિવસના અલગ અલગ સ્વૈચ્છિક લોકડાઉનમાં ૩૦૦ થી વધુ ગામડાઓ તેમ જ ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર, રાપર જેવા શહેરો જોડાયા છે.

જોકે, તબક્કાવાર અન્ય ગામોએ પણ સ્વૈચ્છિક લોકડાઉન માટે તૈયારી દર્શાવી છે.

(11:32 am IST)