Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

મોરબીમાં મેડીકલ વેસ્ટ મામલે બેદરકારી દાખવનાર હોસ્પિટલ - લેબોરેટરીને દંડ

૫-૫ હજારનો દંડ : કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : મોરબીમાં કોરોના મહામારી વચ્ચે ખાનગી હોસ્પિટલ અને લેબોરેટરી સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી હતી. જેમાં મેડીકલ વેસ્ટનો કોમ્પ્લેક્ષમાં જ બેજવાબદારીપૂર્વક ગમે ત્યાં નિકાલ થતો હોય જે મામલે સ્થાનિક વેપારીઓએ જાગૃતતા દાખવી અવાજ ઉઠાવ્યો હતો અને મીડિયા અહેવાલો બાદ તંત્ર દોડતું થયું હતું અને હોસ્પિટલ તેમજ લેબોરેટરીને ૫-૫ હજાર દંડ ફટકારી કારણદર્શક નોટીસ આપવામાં આવી છે.

મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર રૂદ્રાક્ષ પ્લાઝાના વેપારીઓએ જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને લેખિત ફરિયાદ કરી હતી. જેમાં અહી આવેલ શુભ હોસ્પિટલ અને લેબોરેટરીમાં દર્દીના સેમ્પલ લેવાયા બાદ લોહીવાળા રૂ અને ઇન્જેકશન સહિતના મેડીકલ વેસ્ટ કોમ્પ્લેક્ષમાં ગમે ત્યાં ફેકી દઈને ઘોર બેદરકારી દાખવવામાં આવે છે અને અહી દુકાન ધરાવતા અન્ય લોકોને ચેપ લાગવાનો ભય રહે છે. જેથી તુરંત કાર્યવાહીની માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી જે અંગે અખબારી અહેવાલો બાદ તંત્ર જાગ્યું હતું અને પાલિકાની ટીમે જીપીસીબીને સાથે રાખીને શુભ હોસ્પિટલ અને નિદાન લેબોરેટરીને કારણદર્શક નોટીસ ફટકારી હતી અને પાલિકા તંત્ર દ્વારા ૫-૫ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

(10:06 am IST)