Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ પ્રસંગ બાદ દ્વારકામાં રૂકમણીજીનું સ્વાગત સાથેના

કાર્યક્રમો કરવા અંગે પદાધિકારીઓ સાથે બેઠક કરતા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા

દેવભૂમિ દ્વારકા:તા. ૩૦ માર્ચથી ૩ એપ્રિલ સુધી માધવપુર ધેડ મેળો યોજાનાર છે. ત્યારે તા. ૩ એપ્રિલના રોજ દ્વારકા ખાતે રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે અંગે સભાખંડ, જિલ્લા કલેકટરની કચેરી, જામ ખંભાળીયા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતો પરંપરાગત માધુપુરનો મેળો એટલે ભારતના ઉત્તર પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનું અનુબંધ. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩નો માધવપુરનો મેળો વિશેષ આયોજન સાથે યોજવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી તા.૩૦ માર્ચથી તા.૩ એપ્રિલ સુધી યોજાનાર માધવપુરના ધેડના મેળામાં રાજ્ય સરકારના વિવિધ આયોજન મુજબ તૈયારીઓ થાય અને લોક સુવિધા મળી રહે અને વિશેષ કરીને આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન બાદ ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષ્મણી માતા સાથે દ્વારકા આવ્યા હતા એ કથા પ્રસંગની ગરીમા  ઉજાગર થાય તેવા વિશેષ પ્રયાસો અને સાંસ્કૃતિક કાર્યક્રમોના ભાગરૂપે દ્વારકામાં પણ તા.૩  એપ્રિલના રોજ રથયાત્રાને રૂક્ષ્મણીજીનું સામૈયુ સહિતના કાર્યક્રમો થવાના છે ત્યારે આ કાર્યક્રમમાં સૌ સહભાગી બને તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:03 am IST)