Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

જૂનાગઢ જિલ્લાના ૧.૧૫ લાખ બાળકોને પોલીયોની રસી પીવડાવાશે

૦થી ૫ વર્ષનું બાળક પોલીયો રસીથી વંચિત ના રહે તેની તકેદારી રાખવાનું જણાવતા નિવાસી અધિક કલેકટર અંતાણી

જૂનાગઢ તા.૨૩ :  બાળ લકવા નાબુદી અભિયાનનાં ભાગ રૂપે આગામી તા. ૨૮ મી જાન્યુઆરી અને ૧૧ મી માર્ચનાં રોજ પોલીયો રવિવાર ઉજવણી રૂપે ખાસ પોલીયો રસી પીવડાવવાનાં અભિયાન હાથ ધરાનાર છે. જેમાં જૂનાગઢ જિલ્લાનાં ૦ થી ૫ વર્ષની વયમાં સમાવિષ્ટ અંદાજે ૧.૧૫ લાખ બાળકોને આ ઝુંબેશથી પોલીય રોગ સામે રક્ષીત કરવામાં કરવામાં આવશે. કર્મચારીઓને સોંપેલ કામગીરી યોજનાબધ્ધ થાય તેમજ કામગીરીનાં આયોજન માટે  દરેક તાલુકામાં થયેલ વ્યવસ્થાની સમીક્ષા માટે જિલ્લાનાં નિવાસી અધિક કલેકટર પી.વી.અંતાણીની અધ્યક્ષતામાં કલેકટર કચેરીનાં મધ્યસ્થ કક્ષમાં બેઠકમળી હતી.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં પ્રતિનીધી ડો. વિનયકુમારે બેઠકમાં ઉપસ્થિત સૈાને જાણકારી આપતા જણાવ્યુ હતુ કે છેલ્લા ૨૨ વર્ષ એટલે કે સન ૧૯૯૫નાં ડિસેમ્બર માસથી આરંભાયેલી પોલીયોને દેશ નિકાલ કરવાની ઝુંબેશ બાદ આજે આપણો દેશ પોલીયો મુકત બન્યો છે. એક પણ બાળકને પોલીયોના રોગની અસર પણ નથી થવા પામી ત્યારે હવે માત્ર અગમચેચીનાં ભાગ રૂપ દર વર્ષે બે થી ત્રણ વખત આવતા રાઉન્ડ દરમ્યાન પ્રત્યેક બાળક આવનાર દિવસમાં પોલીયોગ્રસ્ત ના બને તેની તકેદારી રાખવી. 

નિવાસી અધિક કલેકટરશ્રી પી.વી.અંતાણીએ જણાવ્યુ હતુ કે જૂનાગઢ જિલ્લાનાં તમામ ગામો અને શહેરોમાં ૦ થી ૫ વર્ષનાં અંદાજે ૧,૧૫,૦૦૦ બાળકોને તા. ૨૮મી જાન્યુઆરીનાં રોજ રવીવારે દરેક ગામે પોલીયોનાં ૭૪૫ બુથ બનાવીને પોલીયો રસી પીવડાવવામાં આવનાર છે. જિલ્લાનાં તમામ ગામો અને શહેરનાં ૦ થી ૫ વર્ષની વયજુથમાં આવતા બાળકો સાથે વાડી વિસ્તાર, છુટા છવાયા વિસ્તારમાં રહેતા બાળકોને ૨૫ મોબાઇલ બુથ અને રેલ્વે સટેશન, બસ સ્ટેશન, મોટામંદીરો, જાહેર સ્થળો, મેળા-બજારો જેવા જાહેર સ્થળોએ ૩૫ ટ્રાન્ઝીટ બુથો બનાવીને  તમામ બાળકોને પોલીયોની રસી પીવડાવી રક્ષીત કરાશે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ૪૩૩ આરોગ્ય કર્મચારીઓ, ૮૦૫ આંગણવાડી કાર્યકર-હેલ્પર બહેનો, ૯૪૯ આશા બહેનો, ૨૨૨ અન્ય સ્વયંસેવકોની ટીમો બનાવી પોલીયો નાબુદી અભિયાનની કામગીરી કરવામાં આવનાર છે. આ કામગીરીનું સુપરવિઝન ૧૨૦  ઝોનલ સુપરવાઈઝરો દ્વારા કરાશે. અને તમામ કામગીરીનું લાયઝનીંગ વર્ગ-૧નાં અધિકારી દ્વારા કરવામાં આવનાર છે.

આ પોલીયો નાબુદી અભિયાનની જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા અને જિલ્લા વિકાસ અધિકારી જે.કે. ઠેશીયાના માર્ગદર્શન તળે થનાર કામગીરી દરમ્યાન નાના બાળકોને નજીકનાં પોલીયો બુથ ઉપર લઇ જઇ પોલીયોની રસી અચુક પીવડાવી પોલીયોનાં રોગ સામે રક્ષણ અપાવા સબંધકર્તા સૈા કર્મયોગીઓને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  સી.એ. મહેતાએ જણાવ્યુ હતુ. બેઠકમાં આર.સી.એચ. ડો. એચ.એચ.ભાયા, ઇ.એમ.ઓ ચંદ્રેશ વ્યાસ, જિલ્લા કયુ એમ.ઓ સંજય કુમાર, વંથલી પ્રાંત અધિકારીશ્રી જેઠવા, મેંદરડા પ્રાંત અધિકારીશ્રી દલાલ, મધ્યાન ભોજન નાયબ કલેકટર એચ.પી.જોષી, બ્લોક હેલ્થ ઓફીસર ડો. ચાવડા, ડો. ડોબરીયા, ડો. જાવીયા, જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના ચેરમેન,  સ્વયંસેવી સંસ્થાના ચંદનબેન રાવલ, સહિત જિલ્લાનાં ચીફ ઓફીસરો, પલ્સ પોલીયો અભિયાન સાથે સંકળાયેલ હોદેદારો ઉપસ્થીત રહ્યા હતા. આ ભગીરથ કાર્યમાં ગામ આગેવાનો, પદાધિકારીઓ, સ્વૈચ્છીક સંસ્થાઓએ યોગ્ય સહકાર મેળવી કાર્યને વેગવંતુ અને સફળ બનાવવા ડો. ભાયાએ હિમાયત કરી હતી.(૨૧.૨૦)

(12:36 pm IST)