Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ઉપલેટામાં જરૂરિયાતમંદોની સેવા માટેની વોલઃ ૨૬મી જાન્યુઆરીએ ખૂલ્લી મુકાશે

સુખી સંપન્ન લોકોને ન જોઇતી વસ્તુઓ આપી જવા અપીલ

ઉપલેટા તા.૨૩: એસ.ટી.બસ સ્ટેન્ડની દિવાલ પર ઉપલેટા જે.સી.આઇ. દ્વારા ભલાઇની દિવાલના નામથી ઓળખાતી અને ખરા અર્થમાં ગરીબ અને બે-ઘર લોકોને જીવન-જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે તેવા આશય થી એક વોલનું આયોજન કરવામાં આવેલ છે જે વોલ તા.૨૬ જાન્યુઆરી અને પ્રજાસત્તાક દિનના દિવસે રાખી ખુલ્લી મુકવામાં આવશે.

ઉપલેટા જે.સી.આઇ. અને વોલના આયોજક કોમલભાઇ કાછેલાએ જણાવેલ હતું કે આમ સમાજમાં કેટલાએ એવા લોકો પણ હજુ ગરીબ અને બે-ઘર રહી પોતાનું જીવન શહેરના ગલી કે ઓટલાઓ ઉપર વિતાવે છે. ત્યારે તેઓને મદદરૂપ થવાના એક નાનકડા આશયથી આ વોલનું આયોજન કરવામાં આવેલ છે.

આ વોલ ઉપર શહેરના દરેક શ્રીમંત લોકો ન જોઇતી પોતાની ચીજ-વસ્તુઓ છોડી શકે છે અને ગરીબ તેમજ જરૂરીયાતમંદ લોકો ત્યાંથી તે વસ્તુ મેળવી પોતાની જરૂરીયાત પુરી કરી શકે તેવા હેતુંથી ભલાઇની દિવાલ તરીકે ઓળખાતી આ વોલ શહેરમાં તા.૨૬ જાન્યુઆરીના રોજથી ખુલ્લી મુકવામાં આવશે. ત્યારે વધુમાં ઉપલેટા જે.સી.આઇ.દ્વારા જણાવેલ છે કે નિઃશંકોચપણે આ વોલનો વધુમાં વધુ ઉપયોગ કરી શહેરમાં વસ્તા ગરીબ અને બે-ઘર લોકોને મદદરૂપ થવા યાદીમાં જણાવેલ હતું.

(11:30 am IST)