Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

જસદણ માર્કેટ યાર્ડની ૧૬ દુકાનોની હરરાજી યોજાશે

જસદણ, તા. ૨૩ :. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જસદણ યાર્ડ દ્વારા માર્કેટ યાર્ડની અંદર નવી સોળ દુકાનો બનાવવામાં આવી છે. તેની જાહેર હરરાજી યોજવાની હોય વેપારીઓમાં આનંદની લાગણી ફેલાણી છે.

જસદણ યાર્ડના ચેરમેન અરવિંદભાઈ તાગડીયાના જણાવ્યા મુજબ ૧૯૭૬માં જસદણ યાર્ડ શરૂ થયા બાદ ૨૦૧૦માં નવુ અદ્યતન યાર્ડ બન્યુ હતુ. હાલમાં યાર્ડમાં ૭૯ દુકાનો છે પરંતુ જસદણ યાર્ડમાં ખેત પેદાશોની આવક સતત વધતી જાય છે. વેપાર-ધંધા વધતા હોય જસદણ યાર્ડ કમિટિએ નવી દુકાનો બનાવવાનો નિર્ણય લેતા આ તમામ સોળ દુકાનોનું બાંધકામ પૂર્ણ થઈ ગયુ છે. ચાલુ વર્ષે જસદણ યાર્ડના ઈતિહાસની મહત્તમ આવક થવા જઈ રહી છે.

આમ ખેત પેદાશોની વધતી જતી આવકોને ધ્યાને લઈને બનાવેલી નવી સોળ દુકાનોની જાહેર હરરાજી તા. ૩૦-૧ને મંગળવારે સવારે ૧૧ કલાકે નવા માર્કેટ યાર્ડ ખાતે યોજાશે. આ હરરાજીમાં જસદણ, વિંછીયા ઉપરાંત ચોટીલા, સાયલા, બોટાદ, ગોંડલ, રાજકોટ, કોટડા સાંગાણી સહિતના જસદણના આસપાસના તાલુકા-ગામડાઓના વેપારીઓ, ખેડૂતો ભાગ લઈ શકશે. હરરાજીમાં ભાગ લેવા અગાઉ યાર્ડ ખાતે ડીપોઝીટ ભરવાની રહેશે. યાર્ડની દુકાનોની અપસેટ સાઈઝ સત્તર લાખ કમિટિએ નક્કી કરી છે. હરરાજી અંગેની વધુ વિગતો માટે યાર્ડના સેક્રેટરી બી.એન. ચોહલીયાનો સંપર્ક કરવા ચેરમેન અરવિંદભાઈ તાગડીયાએ અનુરોધ કર્યો છે.

(11:29 am IST)