Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

તળાજા ધારાસભ્ય આજે લેશે શપથ

તળાજા, તા., ર૩: તળાજા વિધાનસભાની ચુંટણીમાં પરીવર્તનનો પવન જીલ્લામાં માત્ર અહી જ ફુંકાયેલ જોવા મળ્યો. ભાજપનો ગઢ તોડીને કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ બારૈયા જીત મેળવવામાં સફળ રહેતા આજે તેઓ પરેશ ધાનાણીના વિપક્ષ નેતાના ચાર્જ સંભાળવાના સમયે હાજર રહયા હતા.

ભાવનગર જીલ્લાની વિધાનસભાની બેઠકો પૈકીની એક બેઠક જાળવવામાં કોંગ્રેસ આ વખતે તળાજામાં સફળ રહયુ કહી શકાય કે કોંગ્રેસની આબરૂ તળાજાની જનતાએ સાચવી છે.

કનુભાઇ બારૈયા ધારાસભ્ય તરીકે ચુંટાયા હોઇ આજે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી વિપક્ષના નેતા તરીકે ચાર્જ સંભાળતા હોઇ કનુભાઇએ એ સમયે ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. સાથે પોતે પણ સબળ રીતે વિપક્ષની ભુમીકામાં મક્કમતા પુર્વક સહકાર આપશે તેમ જણાવ્યું હતું.

કનુભાઇ બારૈયાએ જણાવ્યું હતું કે તળાજા મતક્ષેત્રના તમામ પ્રશ્નો મજબુત રીતે વિધાનસભા ગૃહમાં મુકવામાં આવશે.

લોકોમાં એવી માન્યતા છે કે શાસક પક્ષના ધારાસભ્ય કરતા વિપક્ષમાં બેસેલ ધારાસભ્ય મજબુત રીતે પોતાનો પક્ષ રજુ કરી શકે તો શાસકપક્ષના ધારાસભ્ય કરતા પણ વધુ સારા કામ કરાવી શકે છે.

મહત્વના કાર્યમાં બંધારા, સરતાનપર (બંદર) ખાતે જેટી, કથળતુ જતુ શિક્ષણ, વધુ સારી આરોગ્ય સેવા મળે આ બધા પ્રશ્નો કેટલે અંશે ઉકેલાય છે તે કનુભાઇની સબળતા અને આવનારી ચુંટણી સમયે મતદારો નક્કી કરશે.

(11:25 am IST)